રાજ્યસભામાં NDAની બેઠક વધી, વકફ બિલને મંજૂરી મળશે

Wednesday 11th September 2024 05:18 EDT
 
 

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે સંસદના ચોમાસું સત્રમાં વકફ બોર્ડ સુધારા બિલ લોકસભામાં રજૂ કર્યું હતું. આ બિલ જેપીસી પાસે મોકલાયું છે. જેપીસી પછી બિલને રાજ્યસભામાં પણ પસાર કરાવાશે. રાજ્યસભામાં આ બિલ પસાર કરાવવું ભાજપ માટે મુશ્કેલ અને પડકારરૂપ હતું પણ હવે એનડીએ પાસે રાજ્યસભામાં પણ બહુમત હોવાથી વકફ સુધારા બિલ પસાર કરવામાં મદદ મળશે.
તાજેતરમાં સંપન્ન થયેલી રાજ્યસભા પેટાચૂંટણી બાદ ઉપલા ગૃહમાં સભ્યસંખ્યા 234 થઈ છે, જેમાં ભાજપ પાસે 96 સભ્ય છે, જ્યારે એનડીએના સભ્યોની સંખ્યા 113 છે. આમ સરકાર પક્ષે મત આપનારા 6 સભ્યો સાથે એનડીએનું સંખ્યાબળ વધીને 119 થયું છે. આ આંકડો બહુમત 117 કરતાં વધારે છે, તેથી સરકાર માટે રાજ્યસભામાં વકફ બોર્ડ સુધારા બિલ બહુમતથી પસાર કરાવવું સરળ છે. બીજી તરફ ઉપલા ગૃહમાં કોંગ્રેસના 27 અને સહયોગી દળોના 58 સભ્ય સાથે વિપક્ષી ગઠબંધનની કુલ સભ્યસંખ્યા 85 છે.


comments powered by Disqus