પૂ. ‘ભાઈશ્રી’ના નામથી ઓળખાતા કથાકાર રમેશભાઈ ઓઝા શ્રીમદ્ ભાગવત પારાયણ માટે વિખ્યાત છે અને 12થી 18 સપ્ટેમ્બર સુધી લંડનના નોર્થહોલ્ટમાં તેઓ શ્રીમદ્ ભાગવત કથા સંભળાવશે.
લંડન આવેલા પૂ. રમેશભાઈ ઓઝા પાણખાણિયા પરિવારના મહેમાન બન્યા છે અને મંગળવારે તેમણે ‘હિલફિલ્ડ’ નિવાસના આંગણે ‘ગુજરાત સમાચાર’ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં લંડન અને બ્રિટન સાથેના 40 વર્ષ જૂના નાતાને વાગોળ્યો હતો અને અનેક આધ્યાત્મિક વિચારો રજૂ કરવાની સાથે આજના ઉદારીકરણ અને વેપારીકરણના જમાનામાં બદલાઈ રહેલા માનવજીવન વિશે પણ વાત કરી હતી.
આ પ્રસંગે એશિયન બિઝનેસ પબ્લિકેશન લિમિટેડના પ્રકાશક-તંત્રી સી. બી. પટેલે પણ પૂ. રમેશભાઈ ઓઝાની મુલાકાત લીધી હતી.
પ્રશ્ન: લંડન અને બ્રિટન સાથેનો તમારો નાતો 1983માં તમે પહેલી વખત અહીં કથા કરી ત્યારથી રહ્યો છે, તો 40 વર્ષ જૂનો આ નાતો કેવો છે?
ભારત દેશ અને દુનિયા આખીમાં 40 વર્ષમાં મોટું પરિવર્તન આવ્યું છે, ઉદારીકરણ અને વિજ્ઞાન તથા ટેકનોલોજીના કારણે માતબર પરિવર્તન થયું છે. પહેલી વખત ’83માં જ્યારે હું અહીં આવ્યો, ત્યારે અહીંથી ભારત ફોન કરીને પહોંચી ગયાની જાણ કરવી હોય તો એ મોટી વાત ગણાતી હતી, આજે આપણે વીડિયો કોલમાં એકબીજા સાથે વાત કરી શકીએ છીએ.
એ સમયે લોકો રેકોર્ડ થયેલી કથાનો સેટ ઘરમાં વસાવતા હતા અને હવે દુનિયાના કોઈ પણ ખૂણે પોતાના ઘરે બેઠાં-બેઠાં પણ લોકો કથાનું લાઇવ શ્રવણ કરી શકે છે. હું કથા ભારતમાં કે ઇંગ્લેન્ડમાં કરતો હોઉં પણ આખી દુનિયાઆખી સાંભળી શકે છે, એનો આનંદ છે અને આ ટેકનોલોજીનો જ પ્રભાવ છે.
આની બીજી બાજુ એવી છે કે માણસ ભૌતિક સાધનોમાં ટ્રેપ થઈ ગયો છે, પહેલાં એ માણસ મુક્ત અને મોજામાં હતો. હવે માણસ યાંત્રિકતા તરફ દોરવાઈ રહ્યો છે. મને યુવાવર્ગની ખાસ ચિંતા થાય છે. દરેક વયનો માણસ આજે સ્ટ્રેસમાં જીવી રહ્યો છે અને ઘડિયાળના કાંટે દોડી રહ્યો છે અને આ દોડવું એ તેના માટેનું જાણે એક બંધન બની ગયું છે.
પ્રશ્ન: ભૌતિકતા અને આધ્યાત્મિકતાને તમે કઈ રીતે
જુઓ છો?
ભૌતિકતા અને આધ્યાત્મિકતા એ એકબીજાની વિરુદ્ધની વાત નથી. આત્મા અને શરીર એ પરસ્પર વિરોધી ન હોઈ શકે, વાસ્તવમાં ભૌતિક શરીર અને આત્મા-ચેતના એ ભેગાં થાય ત્યારે જ તો જીવન બને છે. એમાંથી એક પણ ન હોય તો જીવન સમાપ્ત થઈ જાય. આ બંનેનો સમ્યક વિકાસ થવો જોઈએ. ભૌતિક વિકાસને સંતુલિત કરવા આધ્યાત્મિક ઉન્નતિ પણ એટલી જ જરૂરી છે. જો બંને વચ્ચે સંતુલન નહીં જાળવી શકીએ તો માણસ વિખેરાઈ જશે.
પ્રશ્ન: તમે વાત કરી એ પ્રમાણે ઉદારીકરણના જમાનામાં માણસ સ્વકેન્દ્રી અને સમાજથી વિમુખ થઈ રહ્યો છે, તો તમારી દૃષ્ટિએ એનો ઉપાય શું છે?
અહીં પહેલો સત્સંગ ક્રોલીના મંદિરમાં થયો, ત્યાં ટ્રસ્ટીઓએ આનંદપૂર્વક ઘોષણા કરી કે મંદિર હવે દેવામાંથી મુક્ત થઈ ગયું છે. મેં ભક્તોને કહ્યું કે મંદિર ઋણમુક્ત થયું છે, માણસ હજી નથી થયો. બ્રિટનનું જેટલું દેવું છે, એ અહીં જન્મતી દરેક વ્યક્તિનું દેવું છે, એ દેવું લઈને જ એ જન્મે છે.
શાસ્ત્રો કહે છે કે આપણી પર ઋષિઋણ, દેવઋણ અને પિતૃઋણ છે અને તેને ફેડવાનો માણસે સતત હોશપૂર્વક પ્રયાસ કરવો જોઈએ. બિઝનેસમાં પ્રોપ્રાઇટરશિપ હોઈ શકે પણ જીવનમાં હંમેશાં પાર્ટનરશિપ જ હોય છે, કેમકે તમારા જીવનમાં સૂર્યદેવ, વાયુદેવ, વરુણદેવનો હિસ્સો છે. એ દેવતાઓનું ઋણ છે, એમના થકી આપણું જીવન ચાલે છે.
હું જે સમાજમાં ભણું છું, મોટો થાઉં છું અને પોષાઉં છું, એમનું મારા જીવનમાં યોગદાન છે. મારા માતાપિતા, ભાઈઓ, મિત્રો, શિક્ષકો અને જે દેશમાં હોઉં ત્યાંની સરકારનું મારા જીવનમાં યોગદાન છે. એથી એમનું મારી પર ઋણ છે. મારા પિતૃઓનું પણ મારી પર ઋણ છે. આ બાબતો સતત માણસની સ્મૃતિમાં રહેવી જોઈએ, અને જો તે તેવું કરે તો તે સ્વકેન્દ્રી બનતો અટકે.
જીવનની પાર્ટનરશિપમાં જેમણે-જેમણે રોકાણ કર્યું છે, એમને એમનો હિસ્સો આપવો જ પડે અને એટલે મારે મારા પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને સંપૂર્ણ માનવતા માટે ઉપયોગી થવું જોઈએ.
ચેતનાના વિકાસનાં પગથિયાં હોય છે અને એની શરૂઆત હું સાથે થાય છે. ચેતનાનો વિકાસ થાય એટલે માણસ ‘મારું’થી ‘અમારું’ સુધી પહોંચે છે, જ્યાં તેની ચેતના પરિવાર સુધી વિસ્તરે છે. પછી તેની ચેતના વિકસીને ‘આપણું’ સુધી પહોંચે છે, એટલે કે માણસની ચેતના સમાજ સાથે જોડાય છે. જ્યારે માણસનો આધ્યાત્મિક વિકાસ થાય ત્યારે તેની ચેતના ‘ઈશ્વરનું’ સુધી પહોંચે છે. “त्वदीयं वस्तु गोविन्द”, બધું ભગવાનનું જ છે અને “सर्वं विष्णुमयं जगत्”.
પ્રશ્ન: તમને તમારા કાકા જીવરાજભાઈ પાસેથી ભાગવત્ કથા પ્રત્યેની પ્રેરણા મળી, એ વારસો તમને કેવી રીતે મળ્યો?
મારાં દાદીમા પરમ્ ભગવદીય અને ભણેલાં હતાં, એટલે તેઓ પ્રૌઢ શિક્ષણના વર્ગો પણ ચલાવતાં હતાં. નાનપણથી ગામમાં બ્રાહ્મણ પરિવારમાં ઉછેર થયો, એથી યજ્ઞો પ્રત્યેનું આકર્ષણ ઊભું થયું, એટલે અમે બાળપણમાં યજ્ઞ-યજ્ઞ રમતા હતા. શ્રીમદ્ ભગવદ્ ગીતાના એક અધ્યાયનો અર્થ સાથે દરરોજ પાઠ કરવાનો નિયમ મારી પાસે મારા કાકાએ લેવડાવ્યો હતો. સાથે જ બાળપણથી કાકા સાથે કથામાં જતા હતા, તેઓ કેવી રીતે કથા કરતા હતા તે નાનપણથી જોયું હતું.
મારા દાદીમાનું શરીર જ્યારે શાંત થયું, ત્યારે એમની સ્મૃતિમાં મેં 13 વર્ષની ઉંમરે સાત દિવસનો જ્ઞાનયજ્ઞ કર્યો, જેમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાની કથા કરી હતી. એની માટે આંગણામાં મંડપ ઊભો કર્યો, વ્યાસપીઠ બનાવી, બાળકોની એક કમિટી બનાવીને આખું આયોજન કર્યું હતું. બાળક તરીકે અમારા માટે એ વખતે એ આનંદ પણ હતો. આ પ્રસંગ પછી જ મારા કાકાએ પિતાજીને કહ્યું અને મને તત્ત્વજ્યોતિ પાઠશાળામાં મૂક્યો અને ત્યાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો. એ પછી રેગ્યુલર સ્કૂલનો અભ્યાસ કર્યો અને પરિવાર સાથે મુંબઈ સ્થળાંતર કર્યું, ત્યાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો. હું ઇન્ટરકોમર્સ કરતો હતો ત્યારે 18 વર્ષની ઉંમરે મુંબઈમાં સ્વતંત્રરૂપે પહેલી કથા થઈ અને એ પછી સંપૂર્ણજીવન એ માટે જ સમર્પિત કર્યું.
પ્રશ્ન: આજે શિક્ષણના બજારુકરણની દોડ છે, એની વચ્ચે તમને સાંદિપની વિદ્યાનિકેતન જેવી વિદ્યાપીઠની જરૂર કેમ વર્તાઈ?
પોરબંદર સાથેનો નાતો તુલસીભાઈ હાથીના કારણે બંધાયો હતો, હું એમની વાડીએ નવરાત્રી અનુષ્ઠાન કરતો હતો. લગભગ 1984ની આ વાત છે, તુલસીભાઈએ મારો કેટલાક લોકો સાથે પરિચય કરાવ્યો અને કહ્યું કે આ લોકો અહીં બાબડામાં સંસ્કૃત પાઠશાળા ચલાવે છે. તેમણે મને પાઠશાળા સંભાળવાની વિનંતી કરી.
પાઠશાળામાં રહેતાં બ્રાહ્મણના છોકરા ગામમાં ભીક્ષા માગતા અને સામગ્રીમાંથી જેટલી રોટલી બને, એ ભાગે પડતી ખાઈ લે. શિક્ષકો બાળકોને બે વધારે આપે અને પોતે બે ઓછી ખાય, ક્યારેક તો માત્ર પાણી પીને સૂઈ જાય, એવી પરિસ્થિતિ હતી. એના એક વર્ષ પહેલાં 1983માં મેં પહેલી વખત વિદેશમાં બ્રિટનમાં કથા કરી હતી. એ વખતે પધરામણીમાં જતો અને લોકો પૈસા મૂકે તો હું નહોતો લેતો, મને એવું લાગતું કે એની પર મારો અધિકાર નથી. એક મહાત્માએ મને કહ્યું કે કોઈ તમારી સમક્ષ દાન-દક્ષિણા મૂકે છે, તો તમે એ લઈ લો અને જ્યાં જરૂર હોય ત્યાં સદકર્મ માટે તેનો ઉપયોગ કરો.
આ બંને પ્રસંગમાંથી પાઠશાળાનો વિચાર આવ્યો, જે કંઈ પણ પૈસા આવતા હતા એ પાઠશાળામાં વાપર્યા. બાબડાની પાઠશાળાથી શરૂઆત કરી અને આજે પોરબંદરમાં ‘સાંદિપની’ છે તે વિદ્યાપીઠની શરૂઆત 1992માં થઈ.
વિદ્યાપીઠનું નામ સાંદિપની એટલે રાખ્યું કેમ કે પોરબંદર એટલે સુદામાપુરી અને બાજુમાં દ્વારિકાધીશ, સુદામા અને કૃષ્ણના ગુરુ સાંદિપની હતા એટલે એમના નામ પર વિદ્યાનિકેતન શરૂ કર્યું. સાંદિપનીમાં મૂળરૂપે ઋષિકુળ અને ગુરુકુળ બંને રાખવાની ભાવના હતી, એટલે સંસ્કૃત પાઠશાળા પણ હોય અને રેગ્યુલર સ્કૂલનું શિક્ષણ પણ હોય. આજે કુલ ચાર સંસ્થા છે, જ્યાં સાડા ચાર હજાર છોકરા-છોકરીઓ ભણે છે.
પ્રશ્ન: તમે યજ્ઞ, જ્ઞાન, ભક્તિ અને કર્મ એમ ચાર બિંદુઓ વિશે વાત કરતા રહો છો, એનું મહત્ત્વ શું છે?
ભગવાને ગીતામાં કહ્યું છે એમ યજ્ઞ, જ્ઞાન અને તપ એ મનુષ્યને પવિત્ર કરનારાં સાધનો છે, એથી એનો ક્યારેય ત્યાગ ન કરવો જોઈએ.
યજ્ઞનો અર્થ વિશાળ છે, અગ્નિ પ્રજ્વલિત કરીને આહૂતિ આપવી એટલો અર્થ નથી. સમગ્ર સૃષ્ટિનો સતત યજ્ઞ ચાલે છે, આ વરસાદ થાય છે તે યજ્ઞ થકી થાય છે. યજ્ઞ એટલે અગ્નિતત્ત્વમાં સોમતત્ત્વની આહૂતિ એવો છે.
તપેલી ધરતીમાં અગ્નિતત્ત્વ હોય છે અને તેના પર વરસતાં વાદળ એ સોમતત્ત્વ છે. ખેડૂત ખેતર ખેડે છે, એ પણ યજ્ઞ છે. અગ્નિ થકી વરસાદ થાય છે,
એનાથી અન્ન ઊગે છે, એ અન્ન ખાઈને પ્રાણીઓ જીવે છે અને એ પ્રાણીઓ થકી બીજાં પ્રાણીઓ પેદા થાય છે. એ યજ્ઞ જ છે. સમગ્ર સૃષ્ટિ યજ્ઞમય્ છે. કથા પણ જ્ઞાનયજ્ઞ છે. ગીતામાં કૃષ્ણનો સંદેશ છે:
“यज्ञार्थात्कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धनः
तदर्थं कर्म कौन्तेय मुक्तसंगः समाचर”
યજ્ઞની સાથે કર્મ અને તપ પણ મહત્ત્વની બાબતો છે અને સત્ય માટે તપ કરવાનું છે. ધર્મનાં ચાર ચરણ છે – સત્ય, તપ, દયા અને પવિત્રતા.
પ્રશ્ન: તમે જેમના આંગણે પધાર્યા છો એ વજુભાઈ પાણખણિયા સાથેનો તમારો નાતો કઈ રીતે બંધાયો?
વજુભાઈ સાથે 2018 સાથે નાતો છે, જ્યારે તેમણે વેમ્બલી અરેનામાં કથાનું આયોજન કર્યું હતું. અહીં લંડનમાં અને લેસ્ટરમાં છેલ્લાં 40 વર્ષથી કથા માટે અવરજવર થાય છે અને એથી આવા ઘણા ભક્તો છે.
આ સાથે જ મારે મારી વ્યથા વ્યક્ત કરવી છે. હું ઇચ્છું છું કે આ ક્ષેત્રમાં આવતા લોકો ભણેલા-ગણેલા હોવા જોઈએ અને ક્ષેત્રના જાણકાર હોવા જોઈએ. ધર્મના ક્ષેત્રે ઉપદેશક થઈને જે આવે એ ક્યાંક કોઈ ગુરુ પાસે ભણેલા હોવા જોઈએ. કથાકારમાં વિરક્તિનો ભાવ હોય એ જરૂરી છે.
વ્યથાનું બીજું કારણ એ છે કે ધર્મની ગાય પ્રત્યે બધા આકર્ષાય છે પણ વિચારવાનું એ છે કે આજે જે પ્રવૃત્તિ કરીએ છીએ એ ધર્મની ગાયને ચારો નાખવાની કરી રહ્યા છીએ કે ધર્મની ગાયને દોહવાની કરી રહ્યા છીએ.
લંડન જેવા મસમોટા શહેરની ધમાચકડીની વચ્ચે હેરો વિસ્તારમાં હિલ પર આવેલું ‘હિલફિલ્ડ’ નામનું ઘર એ જાણે નિરાંતનું સરનામું હોય, એવો અનુભવ કરાવે છે. અહીં વજુભાઈ તરીકે ઓળખાતાં વ્રજભાઈ પાણખાણિયા તેમનાં પત્ની જ્યોત્સ્નાબહેન, દીકરા કમલભાઈ અને સુનિલભાઈ તથા તેમના પરિવાર સાથે એક આંગણે વસે છે. આજે જ્યારે દેશ અને દુનિયામાં કુટુંબો તૂટી રહ્યાાં છે, ત્યારે પાણખણિયા પરિવાર નોખો તરી આવે એ સ્વાભાવિક છે. જ્યોત્સ્નાબહેન અને વજુભાઈ તેમના આ વિશાળ આંગણામાં પૂ. રમેશભાઈ ઓઝા જેવા અનેક મહેમાનોને હૂંફભેર આવકારે છે. મંગળવારે પૂ. રમેશભાઈ ઓઝાને મળવા અન્ય મહેમાનોની સાથે છેક લેસ્ટરથી બહેનો આવ્યાં અને પૂ. ‘ભાઈશ્રી’ રમેશ ઓઝાને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યાં.