અનુભવી રમતવીર અને એડમિનિસ્ટ્રેટર રણધીરસિંહ રવિવારે 44મી જનરલ એસેમ્બલી દરમિયાન ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા (ઓસીએ)ના પ્રમુખ તરીકે ચૂંટાયેલા પ્રથમ ભારતીય બન્યા છે.
• કેન્સરની દવા પર જીએસટીમાં ઘટાડોઃ ભારતમાં હવેથી કેન્સરની દવાઓ પર 12 ટકાને બદલે માત્ર 5 ટકા જ જીએસટી ભરવો પડશે. આ અંગે જીએસટી કાઉન્સિલમાં સંમતિ સધાઈ છે. બીજી તરફ વીજજોડાણ પરનો 18 ટકા જીએસટી પણ હવે નહીં લાગે.
• હરિયાણા વિધાનસભા ચૂંટણી આપ એકલા હાથે લડશેઃ આમ આદમી પાર્ટી (આપ) હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં તમામ 90 બેઠક પર એકલાહાથે ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. પાર્ટી દ્વારા તેના માટે 20 ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દેવાઈ છે.
• ISISનો બેંગલુરુ ભાજપ કાર્યાલય પર હુમલાનો પ્લાન હતોઃ બેંગલુરુ રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં એનઆઈએએ સોમવારે 4 આરોપી સામે ચાર્જશીટ દાખલ કરી છે. આ ચારેય આરોપીનો પ્લાન ભાજપ કાર્યાલય પર હુમલો કરવાનો હતો પણ તક ન મળતાં કાફેમાં બ્લાસ્ટ કર્યો હતો.
• મહંત નૃત્ય ગોપાલ દાસને દાખલ કરાયાઃ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના 86 વર્ષીય અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસને લખનઉની ખાનગી હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરાયા છે. ડોક્ટર્સ મુજબ મહંતની હાલત ગંભીર પણ સ્થિર છે.
• જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં બે આતંકી ઠાર: જમ્મુ-કાશ્મીરમાં ગુપ્તચર એજન્સીઓ અને જમ્મુ-કાશ્મીર પોલીસે નૌશેરા વિસ્તારમાં બે આતંકીઓને ઠાર માર્યા છે. આ આતંકી પાકિસ્તાની સરહદથી ભારતમાં ઘૂસી આવ્યા હતાં. આતંકીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયાર કબજે કરાયાં છે.
• ભારતમાં મંકીપોક્સનો શંકાસ્પદ કેસઃ દેશમાં એમપોક્સનો પહેલો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. એમપોક્સની સમસ્યાનો સામનો કરી રહેલા દેશથી યાત્રા કરીને પરત ફરેલા યુવકમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળતાં તેને હૉસ્પિટલમાં દાખલ કરી આઇસોલેટ કરાયો છે.
• લીકર પોલિસીમાં પરિવર્તન કેજરીવાલના ઇશારેઃ કેજરીવાલ વિરુદ્ધ સીબીઆઈ તરફથી નવી સપ્લિમેન્ટરી ચાર્જશીટ ફાઈલ કરાઈ છે, તેમાં સીબીઆઇએ આરોપ મૂક્યો છે કે, નવી લીકર પોલિસી બનાવવાની શરૂઆતથી અરવિંદ કેજરીવાલ સામેલ હતા અને પોલિસી ફેરવવા માટેના અપરાધિક કાવતરામાં સામેલ હતા.
• કોઈ પોતે ભગવાન બની ગયા છેઃ ભાગવતઃ 'આપણે ભગવાન બનીશું કે નહીં તેનો નિર્ણય જનતા કરશે. કોઈએ પણ પોતે ભગવાન બની ગયા છે તેવો દાવો જાતે કરવો નહીં એમ મોહન ભાગવતે જણાવ્યું છે. લોકસભા ચૂંટણી પહેલાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે હું કોઈ બાયોલોજિકલ સંતાન નથી. ભાગવતનાં શબ્દોને મોદીના વિધાનોના સંદર્ભે જોવાઈ રહ્યા છે.
• વિયેતનામમાં યાગી વાવાઝોડાથી 59 લોકોનાં મોતઃ ચીન અને ફિલિપાઇન્સ બાદ વિયતનામ પહોંચેલા યાગી વાવાઝોડાના કારણે ત્યાં 59 લોકોનાં મોત થયાં છે. યાગીના કારણે ઘણાં વિસ્તારોમાં 24 કલાકમાં જ 8 થી 17 ઈંચ સુધી વરસાદ થયો છે.
• ત્રિપુરાઃ ઉગ્રવાદી જૂથ અને સરકાર વચ્ચે સમજૂતીઃ પૂર્વોત્તર રાજ્યમાં હિંસાનો અંત લાવવા અને શાંતિ સ્થાપવા માટે બુધવારે કેન્દ્ર અને ત્રિપુરા સરકારે બે ઉગ્રવાદી જૂથ એનએલએફટી અને એટીટીએફ સાથે સમજૂતી કરાર કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં આ શાંતિ કરાર પર હસ્તાક્ષર કરાયા હતા.
• ભારતમાં વિશ્વનું સૌથી વધારે પ્લાસ્ટિક પ્રદૂષણઃ વિશ્વનું 20 ટકા પ્લાસ્ટિક પ્રદૂષણ એકલા ભારતમાં સર્જાતું હોવાનો “નેચર' જર્નલ દ્વારા ઘટસ્ફોટ કરાયો છે. ભારતમાં દરવર્ષે 93 લાખ ટન પ્લાસ્ટિક પ્રદૂષણ થાય છે, જે સમગ્ર વિશ્વમાં સૌથી વધારે છે. અન્ય દેશોમાં નાઈજીરિયા, ઈન્ડોનેશિયા અને ચીનનો સમાવેશ થાય છે.
• નક્સલીઓના સફાયા માટે છત્તીસગઢમાં 4 હજાર જવાનો તહેનાતઃ છત્તીસગઢમાં નક્સલીઓ સામે એક મોટું ઓપરેશન હાથ ધરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે સીઆરપીએફના 4 હજારથી વધુ જવાનોને છત્તીસગઢમાં તહેનાત કરવામાં આવી રહ્યા છે.
• ઇન્ડોનેશિયામાં પોપની હત્યાનું કાવતરુંઃ 7ની ધરપકડઃ ઇન્ડોનેશિયામાં ISIS દ્વારા પોપ ફ્રાન્સિસની હત્યા કરવાનું ષડયંત્ર રચવાના આરોપસર 7 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી ISIS સંલગ્ન પત્રો પણ મળી આવ્યા છે.