કોલકાતાની જાણીતી હોસ્પિટલમાં ટ્રેઇની મહિલા ડોક્ટર પર બળાત્કારના ભયાનક કૃત્યને પગલે ભારત અને વિદેશમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. હોસ્પિટલ સત્તાવાળાઓ અને રાજ્યના અધિકારીઓ દ્વારા આ કેસમાં કથિત રીતે ભીનુ સંકેલવાના પ્રયાસોના કારણે જનઆક્રોશ ચરમસીમા પર પહોંચ્યો છે. સત્તાધારીઓ દ્વારા પુરાવા છૂપાવવાનું વ્યવસ્થિત ષડયંત્ર સ્થિતિને વધુ ગંભીર બનાવે છે. પુરુષપ્રધાન સમાજમાં મહિલાઓને નોંધપાત્ર અસમાનતાનો સામનો કરવો પડે છે. તેમને ન કેવળ રોજગાર, સંપત્તિના અધિકાર અને પારિવારિક વારસામાં સમાન તકોનો નકાર કરવામાં આવે છે પરંતુ ગંભીર પ્રકારની જાતીય સતાવણીની પીડા પણ ભોગવવી પડે છે. આ પ્રકારનું સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સાથી કર્મચારીઓ, પરિવારના સભ્યો અથવા તો સેલિબ્રિટી, રાજકીય અને પોતાને માર્ગદર્શક તરીકે રજૂ કરતા ધાર્મિક નેતાઓ દ્વારા કરાતું હોય છે. જાતીય સતાવણી અથવા તો બળાત્કાર જેવા જધન્ય અપરાધની પીડિતાઓની પીડા અને વેદના તેમના અંતરમન પર પણ કાયમી ભાવનાત્મક ડાઘ છોડે છે. આ વેદનામાંથી મુક્ત થવું સરળ હોતું નથી.
આ દુષણ ફક્ત ભારત પુરતું મર્યાદિત નથી. વિશ્વની વિવિધ સંસ્કૃતિઓમાં મહિલાઓ તેનાથી પીડિત છે. ભારત અથવા તો અન્ય દેશોમાં અપરાધીઓ દ્વારા બળાત્કારને કુશળતાથી છાવરવાનો પ્રયાસ કરાય છે. આ પ્રકારના અપરાધો છાવરવામાં વધુ પડતી સત્તા ધરાવનારા અને પ્રભાવશાળીઓ વારંવાર સફળ થતાં રહે છે.
વિશ્વમાં મહિલાના ગૌરવ, પવિત્રતા અને સન્માનની જાળવણી માટે ઘણા કાયદા ઘડાયાં છે તેમ છતાં મેડિકલ પ્રોફેશનલ્સ જેવી સુશિક્ષિત અથવા તો આર્થિક રીતે સદ્ધર મહિલાઓ પાસે પણ આ પ્રકારના શોષણ સામે લડવાના સંસાધનો ઉપલબ્ધ હોતાં નથી. વિશેષ કરીને સત્તાધારી અથવા તો પ્રભાવશાળી વ્યક્તિ અપરાધમાં સંડોવાયેલી હોય ત્યારે.. મહિલાઓને ન્યાય મળતો નથી કારણ કે પરિવારના સભ્યો, શિક્ષકો, નેતાઓ અને આધ્યાત્મિક અગ્રણીઓ આ પ્રકારના અપરાધમાં સંડોવાયેલા હોય છે અથવા તો મૌન સેવી લે છે. કેટલાક વ્યક્તિ આધ્યાત્મિકતાના ઓથા હેઠળ તેમના કૃત્યોના કાયદાકીય પરિણામો ટાળવા માટે પોતાના દરજ્જાનો દુરુપયોગ કરે છે. પોતાના પ્રભાવના દુરુપયોગથી તેઓ તેમના અનુયાયીઓ દ્વારા તેમના પર મૂકવામાં આવેલા વિશ્વાસનો લાભ લઇ સજામાંથી છટકી જાય છે. જે પીડિતા આ હિંમત કરીને આ પ્રકારના અપરાધને ઉઘાડા પાડે છે તેમને વારંવાર ધમકી અથવા તો પ્રલોભનો આપીને ચૂપ કરાવી દેવાના પ્રયાસ થતાં રહે છે. તેમના કેસ દબાવી દેવામાં આવે છે અને અપરાધીઓ સજા વિના જ છટકી જાય છે. જ્યાં સુધી પુરુષો - નેતાઓ, ગુરુઓ અને પ્રભાવશાળી વ્યક્તિઓની માનસિકતામાં મૂળભૂત પરિવર્તન નહીં આવે ત્યાં સુધી આ ઊંડે સુધી જડ કરી ગયેલા સામાજિક દુષણને નાબૂદ કરી શકાશે નહીં.
બળાત્કાર અને જાતીય સતાવણીના કિસ્સાઓમાં એ યાદ રાખવું જોઇએ કે આપણા જીવનોમાં મૂળભૂત ભુમિકા ભજવનારી માતા, બહેન, દીકરી, પત્ની અને અન્ય સ્વજન જ પીડિતા હોય છે. તેમની ગરિમાની જાળવણી કરવા, સહાય કરવા અને તેમને ન્યાય મળી રહે તે સુનિશ્ચિત કરવાની આપણી સામુદાયિક જવાબદારી છે. તેમની ક્ષમતાઓનો સ્વીકાર કરવો અને સહાનુભૂતિપુર્વક સંભાળ લેવી એ ફક્ત આપણી નૈતિક જવાબદારી જ નહીં પરંતુ આ પ્રકારના દુષણો નાબૂદ કરવાની દિશામાં આવશ્યક પગલું છે. મહિલાઓને પીડિત અને અન્યાય કરતી સમાજમાં જડ કરી ગયેલી પ્રથાઓનો સામનો કરવા અને સુધારણા માટેઆપણે આગળ આવીને યોગદાન આપવું જોઇએ. આ રીતે આપણે આ વિશ્વને મહિલાઓ માટે સુરક્ષિત બનાવી શકીશું.