સુરતઃ સુરતને નેશનલ ક્લીન એર સિટી તરીકેનું નવું સન્માન પ્રાપ્ત થયું છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય આયોજિત ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-2024’માં દેશભરનાં 131 શહેરોને પાછળ છોડી સુરતે પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. શનિવારે જયપુરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અને કેન્દ્રીય પર્યાવરણમંત્રીના હસ્તે સુરતના મેયર અને મ્યુનિસિપલ કમિશનરે એવોર્ડ અને રૂ. 1.50 કરોડની ઇનામી રકમનો ચેક સ્વીકાર્યો હતો.
સુરત શહેરે હવે સૌથી ચોખ્ખી હવા ધરાવતા શહેર તરીકેની પણ નામના પ્રાપ્ત કરી છે. સુરત શહેર સૌથી ઝડપી વિકસિત થતું શહેર હોવા ઉપરાંત વર્ષ 2023-24માં PM10 ના રજકણોમાં 12.71ટકાનો નોંધપાત્ર ઘટાડો કરવામાં સફળ રહ્યું છે. ગત વર્ષે 2023માં યોજાયેલા ‘સ્વસ્છ’ વાયુ સુર્વેક્ષણમાં સુરત શહેરને તેરમો ક્રમાંક મળ્યો હતો અને ઇન્દોર પ્રથમ ક્રમે હતું. 2023માં સુરત મહાનગરપાલિકાએ ખૂટતી સુવિધાઓ, પગલાં અને ત્રુટિઓ દૂર કરવાની કામગીરી હાથ ધરીને આ વર્ષે કુલ 200 પૈકી 194 ગુણ મેળવી સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.