સુરતઃ સૈયદપુરામાં ‘વરિયાવી ચા રાજા’ તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ કિશોરોએ પથ્થરમારો કરી તંગદિલી સર્જી હતી. રાત્રે 9 વાગ્યા બાદ આ લોકોએ રિક્ષામાં આવી પથ્થરમારો કર્યો હતો. આયોજકોએ તમામને પકડીને પોલીસને સોંપ્યા હતા. આ તમામના પિતાને પણ સગરામપુરા પોલીસ લઈ ગઈ હતી. હજારો લોકોએ સૈયદપુરા ચોકીને ઘેરી હતી. ટોળાં વિખેરવા 10થી વધુ ટિયરગેસના શેલ છોડી લાઠીચાર્જ કરાયો હતો.
ઘટનાની ગંભીરતાને જોતાં પોલીસનાં ધાડેધાડાં ઉતારી કોમ્બિગ શરૂ કરાયું હતું અને 28 લોકોની ધરપકડ કરાઈ. ઘટના બાદ તંત્રએ સૈયદપુરામાં ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.
સૈયદપુરામાં 9 સપ્ટેમ્બરે સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ ઉપરાંત સૈયદપુરા પોલીસ ચોકીની આસપાસ દબાણ કરેલી મિલકતોને તાત્કાલિક અસરથી દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ કરાતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.