અમદાવાદઃ રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ કેસની સુઓમોટો પીઆઇએલ અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દાખલ કરાયેલી રિટમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના તત્કાલીન કમિશનર આનંદ પટેલ સહિતના સત્તાવાળાઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલા સોગંદનામામાં બહુ મોટો ખુલાસો સામે આવ્યો છે. તપાસમાં જણાયું છે કે, તેની પાસે કોઈ ફાયર એનઓસી, બિલ્ડિંગ યુઝ કે ડેવલપમેન્ટ પરમિશન સહિતની કોઈપણ પ્રકારની અધિકૃત પરવાનગી હતી જ નહીં.
ગેમઝોનના ગેરકાયદે બાંધકામ અંગે રાજકોટ મનપાના ટાઉન પ્લાનિંગ ડેવલપમેન્ટ ઓફિસ અને તેના અધિકારીઓને જાણ હતી અને ગયા વર્ષે તેના ગેરકાયદે બાંધકામને તોડી નાખવાની નોટિસ અપાઈ હતી, તેમ છતાં 11 મહિના સુધી ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહીં અને આખરે 28 લોકો ગેમ ઝોનના અગ્નિકાંડમાં ભુંજાઈ જવાની કરુણાંતિકા સર્જાઈ. રાજકોટ મનપાના સત્તાવાળાઓ તરફથી દાખલ કરાયેલા સોગંદનામામાં પોતાના અધિકારીઓની ભૂલ, ફરજમાં નિષ્કાળજી અને ગંભીર બેદરકારીનો સ્વીકાર કરાયો હતો અને એકરાર કરતાં જણાવાયું હતું કે, સંબંધિત ટાઉન પ્લાનિંગ ઓફિસરે સ્થળ મુલાકાત લઈ કાયદા મુજબનું પાકું નિરીક્ષણ કરવાની જરૂર હતી. ચીફ ફાયર ઓફિસરે પણ ફાયર સેફ્ટી એક્ટ અને રૂલ્સ મુજબ કાયદા અનુસાર પગલાં ભરવાની અને કાયદેસર કાર્યવાહી કરવાની જરૂર હતી, પરંતુ તે થઈ નહોતી.
પેટ્રોલના બદલે 1500 લિટર રેઝિન હોવાનું જણાયું
ટીઆરપી ગેમઝોનમાં અતિદર્દનાક અગ્નિકાંડના મનુષ્યવધના ગુનામાં 27 માનવદેહ ભડથું થઈ ગયા, તેમાં ઘટનાસ્થળે પેટ્રોલ કે ડીઝલનો મોટો જથ્થો સંગ્રહ કર્યાના મુદ્દે નવો ઘટસ્ફોટ થયો છે. આ ગુનાની તપાસ કરતી રાજકોટની સીટનાં સૂત્રો અનુસાર ગેમઝોનમાં પેટ્રોલ સંગ્રહાયેલું હોવાના કોઈ પુરાવા મળ્યા નથી, પરંતુ 1400થી 1500 લિટર રેઝિન એટલે કે એક પ્રકારનો ચીકણો પદાર્થ જે ચીપકાવવા માટે સ્ટેચ્યૂ બનાવવા વપરાય છે તેનો સંગ્રહ કરાયો હતો. 25 મેએ આગ લાગી ત્યારબાદ લોકોની પૂછપરછમાં ઘટનાસ્થળે પેટ્રોલ-ડીઝલનો 3500 લિટર જેવો મોટો જથ્થો સ્ટોરેજ કરાયાની વિગતો પ્રકાશમાં આવી હતી, જેની તપાસ કરવા કલેક્ટરે પુરવઠા વિભાગને સૂચના આપી હતી.
મ્યુનિ. કમિશનર સામે હત્યાનો ગુનો કેમ નહીં?: હાઇકોર્ટ
રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં આગ મુદ્દે સુઓમોટો અરજીમાં સરકારે સોંગદનામું રજૂ કર્યું હતું, જેમાં રાજકોટ, બરોડા અને અમદાવાદ કોર્પોરેશન કમિશનરના જવાબનો પણ સમાવેશ થાય છે. જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવેન દેસાઈની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, તમે ફાયરના અને કોર્પોરેશનના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા, પરંતુ કમિશનરની જવાબદારી વિશે તમે શું નક્કી કર્યું? મ્યુનિ. કમિશનર પર આઇપીસીની કલમ 302 કેમ લગાવતા નથી?
પુત્ર ગુમાવનારા પિતાનું વિયોગમાં મૃત્યુ
ટીઆરપી ગેમઝોનમાં દાખવાયેલી બેદરકારીથી સર્જાયેલા અગ્નિકાંડમાં વિશ્વરાજસિંહ જસુભા જાડેજા (ઉં.વ. 23) નામના યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું અને પાંચ દિવસે ડીએનએ મેચ થતાં મૃતદેહ મળ્યો હતો. જે બાદ આ યુવાનના પિતાનું પુત્રવિયોગમાં મૃત્યુ થતાં વજ્રાઘાત સર્જાયો હતો. નરસંગપરા-1, જૂની કલેક્ટર ઓફિસ પાછળ રહેતા આ પરિવારનો યુવાન પુત્ર વિશ્વરાજસિંહનો ગેમઝોનમાં નોકરીનો પહેલો દિવસ જ તેની જિંદગીનો છેલ્લો દિવસ બની ગયો હતો. પુત્રના મૃત્યુ બાદ આખો પરિવાર શોકમાં ડૂબી ગયો હતો અને પિતા જસુભા જાડેજા (ઉં.વ. 65) સતત દીકરાના નામનું રટણ કરતા હતા અને ગમગીન રહેતા હતા. આ દરમિયાન રાત્રે તેમણે દમ તોડી દેતા બે સપ્તાહમાં પિતા-પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.