અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાના ભાગરૂપે અત્યાર સુધીમાં દેશભરના માઇભક્તો દ્વારા રૂ. 125 કરોડની અંદાજિત કિંમતનું કુલ 175 કિલો સોનાનું દાન પ્રાપ્ત થયું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા દાનમાં મળેલા સોનાના જથ્થાને રાષ્ટ્રીયકૃત બેન્ક ઓફ બરોડામાં ગોલ્ડ મોનિટાઇઝ સ્કીમ હેઠળ મૂકવામાં આવ્યું છે. હાલમાં મંદિરને સોનાથી મઢવાની, કામગીરી કારીગરો દ્વારા કરવામાં આવી રહી છે.
યાત્રાધામ અંબાજી મંદિરને ભારતભરમાં સર્વપ્રથમ સુવર્ણમય બનાવવાના ભાગરૂપે અંબાજી મંદિર ટ્રસ્ટ અને રાજ્ય સરકાર દ્વારા મા અંબાના લાખો માઈભક્તો આ મંદિરના નિર્માણ કાર્યમાં પોતાની યથાશક્તિ મુજબ સોનાનું દાન કરી શકે તે માટે સુવર્ણ યોજના ભાગ એક અને બે એમ બે યોજનાને અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત અંબાજી મંદિરના વહીવટદાર કે.એસ. મોદીના જણાવ્યા અનુસાર, અંબાજી મંદિરને અત્યાર સુધી 175 કિલો સોનાનું દાન મળ્યું છે. જેની અંદાજિત કિંમત રૂ. 125 કરોડ થવા જાય છે. સોનાની કિંમતનું વ્યાજ પણ અંબાજી મંદિરને મળે છે. સોનું સરકારની ગોલ્ડ સ્કીમમાં મૂકવાની કારણે અંબાજી મંદિરને તેની આવક પણ થાય છે.