ઇતિહાસમાં પ્રથમ વખતઃ કેન્દ્રીય મંત્રીમંડળમાં દર બારમો મંત્રી ગુજરાતથી

Wednesday 12th June 2024 07:02 EDT
 
 

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથગ્રહણ કર્યા છે. 2024માં બહુમત મેળવવા માટે ભાજપને નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)ના સાથી પક્ષોને વધુ સહયોગ લેવાનો હોવાથી મોદી 3.0માં ગુજરાતનું પ્રતિનિધિત્વ ઘટશે એવું અનુમાન હતું, પરંતુ આ વખતે અગાઉની બે શપથવિધિ કરતાં રેકોર્ડબ્રેક 5 કેબિનેટ મંત્રી અને 1 રાજ્યમંત્રી મળી 6 મંત્રી ગુજરાતના છે. એટલે કે 72 સભ્યોના મંત્રીમંડળમાં દર બારમો મંત્રી ગુજરાતનો છે. મોદી 3.0માં રાજ્યનું કદ 8.30 ટકા છે.
મોદી સરકારના નવા મંત્રીમંડળમાં ગાંધીનગરના સાંસદ અમિત શાહ, પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા અને એસ. જયશંકર (રાજ્યસભા) રિપીટ થયા છે, જ્યારે ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા (રાજ્યસભા), નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને ભાવનગરનાં સાંસદ નીમુબહેન બાંભણિયાની એન્ટ્રી થઈ છે.
રૂપાલા અને ચૌહાણની બાદબાકી
ક્ષત્રિય વિવાદને લઈ ચર્ચામાં આવેલા રાજકોટ બેઠકથી ચૂંટાયેલા પરસોત્તમ રૂપાલાને મોદી કેબિનેટમાંથી પડતા મુકાયા છે. તેઓ જુલાઈ 2021થી જૂન 2024 દરમિયાન કેન્દ્રમાં મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રાલયના કેબિનેટ મંત્રી હતા. આ ઉપરાંત દેવુસિંહ ચૌહાણ જેઓ અગાઉની સરકારમાં સંચાર રાજ્યમંત્રી હતા, તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું.
મંત્રીઓની પસંદગીમાં ગુજરાત ત્રીજા ક્રમે
મંત્રીમંડળના કુલ 72 સભ્યો પૈકી સૌથી વધુ 10 મંત્રી ઉત્તરપ્રદેશના છે. બીજા નંબરે 8 મંત્રી સાથે બિહાર છે. જ્યારે ગુજરાત 6 મંત્રીઓ સાથે ત્રીજા નંબરે છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી 5-5 મંત્રીની પસંદગી કરવામાં આવી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશથી 4-4 મંત્રીને પ્રતિનિધિત્વ મળ્યું છે.


comments powered by Disqus