ભારતમાં 9 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેબિનેટના શપથ ગ્રહણની સાથે મોદીના સતત ત્રીજા અને એનડીએ ગઠબંધન સરકારના કાર્યકાળનો પ્રારંભ થઇ ગયો. આમ તો ભારતમાં ગઠબંધન સરકારો સમયાંતરે રચાતી આવી છે. 1989થી 2014 વચ્ચેના સમયગાળામાં ભારતે ગઠબંધન સરકારોનું જ શાસન જોયું છે. 2014 અને 2019માં જંગી બહુમતી સાથે સત્તામાં આવેલા ભાજપે એક દાયકા સુધી મોદીના નેતૃત્વમાં શાસન કર્યું પરંતુ 2024માં ભાજપને સ્પષ્ટ બહુમતી ન મળતાં તેને સરકારની રચના માટે જદયુ, ટીડીપી, શિવસેના(શિંદે), અપના દલ સહિતના પ્રાદેશિક પક્ષોની કાખઘોડી થામવાનો સમય આવ્યો છે. ભાજપમાં અટલ બિહારી વાજપેયી ગઠબંધન સરકાર ચલાવવામાં માહેર હતા પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગઠબંધન સરકાર ચલાવવાનો જરાપણ અનુભવ નથી. ગુજરાતમાં 4 ટર્મ સુધી મુખ્યમંત્રી તરીકે અને હવે કેન્દ્રમાં સતત બે ટર્મ સુધી મોદીએ બહુમતી ધરાવતી સરકારનું જ સંચાલન કર્યું છે તેથી તેમના માટે આ માર્ગ કપરો બની રહેવાનો છે. કોઇપણ ગઠબંધન સરકાર માટે કોમન મિનિમમ પ્રોગ્રામ અત્યંત મહત્વનો બની રહે છે જેના આધારે સમગ્ર સરકારનું સંચાલન થાય છે અને સરકાર લાંબો સમય ટકી રહે છે પરંતુ મોદી 3.0ની એનડીએની ગઠબંધન સરકાર માટે અત્યાર સુધી તો કોઇ કોમન મિનિમમ પ્રોગ્રામ જાહેર કરાયો નથી કે અન્ય સાથી પક્ષો દ્વારા તેની માગ પણ કરાઇ નથી. તેથી આ ગઠબંધનના પક્ષો નરેન્દ્ર મોદીની સ્ટાઇલ મુજબ જ કામ કરશે કે અલગ ચીલો ચાતરવાનો પ્રયાસ કરશે તે એક મોટો સવાલ બની રહે છે. અત્યાર સુધીની મોદી સરકારોના શાસનમાં વડાપ્રધાન મોદીનો પડ્યો બોલ ઝિલાતો રહ્યો છે. વિપક્ષ દ્વારા એવા પણ આરોપ મૂકાયા હતા કે સમગ્ર સરકારનું સંચાલન વડાપ્રધાન કચેરીમાંથી જ થાય છે. કોઇપણ કેન્દ્રિય મંત્રી વડાપ્રધાન કચેરીની પરવાનગી વિના કોઇપણ નિર્ણય લઇ શક્તો નથી. આવી સ્થિતિમાં ગઠબંધનના સાથીપક્ષોના મંત્રીઓ મોદીના આ ઓછાયા હેઠળ કામ કરશે કે સ્વતંત્ર રીતે નિર્ણયો લેવાનો પ્રયાસ કરશે તેના પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગેલું છે. ઘણા રાજકીય પંડિતોનું માનવું છે કે ગઠબંધન સરકાર ચલાવવી નરેન્દ્ર મોદી માટે સરળ તો નહીં જ રહે. ગઠબંધનના મુખ્ય સાથી પક્ષો જનતાદળ યુ (જદયુ) અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) અગાઉ પણ ભાજપના નેતૃત્વ હેઠળની ગઠબંધન સરકારોમાં હિસ્સો રહી ચૂક્યાં છે અને નરેન્દ્ર મોદીના મુદ્દે જ ગઠબંધન સાથે છેડો ફાડવાનો ઇતિહાસ પણ ધરાવે છે. મોદી 3.0ની ગઠબંધન સરકારમાં આ બંને જ મુખ્ય સાથી પક્ષો છે બાકી તો બધા એક-એક કે બે-બે સાંસદો ધરાવતી નાની પ્રાદેશિક પાર્ટીઓ છે જે મહત્વનું પીઠબળ પુરું પાડી શકે તેમ નથી. જ્યારે પણ કોઇ ગઠબંધન સરકાર ફક્ત એક કે બે મોટી પાર્ટીના આધારે હોય ત્યારે તેના પડી ભાંગવાની સંભાવનાઓ ઘણી વધી જાય છે. જોકે આ ગઠબંધનમાં 240 સાંસદો સાથે ભાજપનું પલડું ભારે છે. ટીડીપી અને જદયુ ફક્ત 28 સાંસદો જ ધરાવે છે. આ 240 સાંસદો ગઠબંધન પર પોતાનું પ્રભુત્વ જાળવી રાખવામાં મોદીને મદદરૂપ થશે તેમ પણ ઘણા રાજકીય પંડિતોનું માનવું છે. બીજી મહત્વની વાત એ કે મોદીના નેતૃત્વ હેઠળના ભાજપ અને વાજપેયી-અડવાણીના નેતૃત્વ હેઠળના ભાજપમાં આસમાન જમીનનો તફાવત છે. મોદીની અત્યાર સુધીની કાર્યશૈલીને જોતાં એમ પણ કહી શકાય કે તેઓ ભાજપના એજન્ડાને વિચલિત કરતી સાથીપક્ષોની માગણીઓ સામે ન પણ ઝૂકે. કોમન મિનિમમ પ્રોગ્રામના અભાવમાં ભાજપ અને સાથી પક્ષો વચ્ચે ઘણા મુદ્દે ટકરાવ તો થવાનો જ છે પરંતુ નરેન્દ્ર મોદી પોતાની કુનેહ વડે ગઠબંધન સરકારને કેવી રીતે ચલાવે છે તે તો આવનારો સમય જ બતાવશે.