ગાંધીધામ પાસેથી રૂ. 130 કરોડના કોકેઇનનાં 13 બિનવારસી પેકેટ મળ્યાં

Wednesday 12th June 2024 06:04 EDT
 
 

ગાંધીધામઃ સરહદી વિસ્તાર કચ્છથી અવારનવાર કોકેઇન-હેરોઇન સહિતનાં માદક દ્રવ્યો પકડાય છે. બુધવારે ફરી એકવાર આશરે રૂ. 130 કરોડનું બિનવારસી ડ્રગ્સ મળ્યું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગાંધીધામથી દસેક કિલોમીટર દૂર ખારીરોહરના નિર્જન વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે ગુજરાત એટીએસ, પૂર્વ કચ્છ એસઓજી, એલસીબી અને ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં બાવળની ઝાડીમાંથી કોકેઇનનાં 13 પેકેટ બિનવારસી મળી આવ્યાં હતાં. પોલીસે સંભવિત કોકેઇન ડ્રગ્સની સંભાવનાને સ્પષ્ટ કરવા એફએસએલની મદદ લીધી હતી. બીજી તરફ વિસ્તારમાં હજુ વધુ જથ્થો હોવાની આશંકાના પગલે એટીએસની ટીમ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે, ગતવર્ષે પણ ગાંધીધામ નજીકના મીઠીરોહર વિસ્તારથી ડ્રગ્સના આવાં જ 80 પેકેટ મળી આવ્યાં હતાં. જે કોકેઇન હોવાનું ખૂલવાની સાથે એક પેકેટની કિંમત રૂ. 10 કરોડ આંકવામાં આવતાં કુલ રૂ. 800 કરોડનું ડ્રગ્સ રિકવર કર્યું હતું. તો હવે રૂ. 130 કરોડનું કોકેઇન મળી આવ્યું છે.


comments powered by Disqus