અમદાવાદઃ રાજ્યમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ગયું હોય તેમ સોમવારે બીજા દિવસે પણ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ વરસ્યો છે. ધરમપુરમાં ચાર કલાકમાં 3 ઈંચ, કપરાડામાં 2 ઈંચ, ઉમરપાડા-માંગરોળમાં 2 ઈંચ, ખેરગામમાં 1.16 ઈંચ, વિરપુરના મેવાસામાં 4 ઇંચ. જામકંડોરણાના ભાદરા અને ધોળીધારમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભીમ અગિયાર પૂર્વે જ વરસાદ શરૂ થતાં અમરેલી જિલ્લામાં કેટલાક ખેડૂતોએ આગોતરી વાવણી શરૂ કરી દીધી છે.
વલસાડના ધરમપુરમાં રાત્રે 10થી મળસ્કે 2 વાગ્યા સુધીના ચાર કલાકમાં 3 ઈંચ અને કપરાડામાં 2 ઈંચ, ઉમરગામમાં 0.48 ઈંચ વરસાદ પડ્યો હતો. સુરતના ઉમરપાડામાં રાત્રે 8થી 10 વાગ્યા સુધીમાં 1 ઈંચ, જ્યારે માંગરોળમાં રાત્રે 10થી 12 વાગ્યા સુધીમાં 20 મિ.મી., બારડોલીમાં પણ વરસાદી ઝાપટાં નોંધાયાં હતાં. નવસારીના ખેરગામમાં 1.16 ઈંચ અને ચીખલીમાં 20 મિ.મી. વરસાદ નોંધાયો હતો. મહુવા તાલુકામાં આજુબાજુના વિસ્તારમાં રાત્રે 10:30 કલાકથી પવન અને ગાજવીજ સાથે મુશળધાર વરસાદ પડવાથી અનાવલ વિસ્તારમાં એક કાચી દુકાન અને વીજ કંપનીના પોલને નુકસાન થયું હતું. રાજકોટ જિલ્લાના વિરપુર સહિત ગામ્ય વિસ્તારો જેવા કે મેવાસા, જાંબુડી, કાગવડ, ખીરસરા સહિતના ગામોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. મેવાસા ગામે ભારે પવન સાથે અંદાજિત 4 ઇંચ જેવો વરસાદ વરસ્યો હતોે.