નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં યાત્રાળુઓની બસ પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો, જેમાં 9 લોકોનાં મોત થયાં છે, જ્યારે 33 મુસાફરો ગંભીરપણે ઇજાગ્રસ્ત થયા છે. આ આતંકી હુમલાને લઈને એક પછી એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. તપાસમાં સામે આવ્યું છે કે એક સ્થાનિક ગાઇડે આતંકીઓને યાત્રાળુઓને લઈ જતી બસ પર હુમલો કરવામાં મદદ કરી હતી. આ કાયરતાપૂર્ણ કૃત્ય બાદ ગાઇડે આતંકવાદીઓને જંગલમાં છુપાવવામાં પણ મદદ કરી હતી.
ગાઇડે આતંકીઓને મદદ કરી
સૂત્રોએ જણાવ્યું હતું કે, રિયાસીમાં થયેલા આતંકી હુમલામાં ચાર વિદેશી આતંકી અને એક ગાઇડ સામેલ હતા. ચાર પૈકી બે આતંકવાદીઓએ રસ્તા પર બસ પર હુમલો કર્યો અને ગોળીબાર શરૂ કર્યો. આ દરમિયાન જંગલમાં છુપાયેલા બાકીના બે આતંકએ હુમલાખોરોને કવર ફાયર આપ્યું હતું. હુમલા પછી ગાઇડે આતંકવાદીઓને જંગલમાં છુપાવવામાં પણ મદદ કરી હતી.
બસ પર 20 મિનિટ સુધી ગોળીબાર
આતંકીઓના ગોળીબારમાં ડ્રાઇવરને ગોળી વાગતાં બસ ખીણમાં પડી ગઈ હતી. આ સમયે પણ 53 સીટર બસ પર આતંકીઓએ લગભગ 20 મિનિટ સુધી ગોળીબાર ચાલુ રાખ્યો હતો. જેમાં 9 લોકોનાં મોત નીપજ્યાં છે.
આ બસમાં ઉત્તરપ્રદેશ અને દિલ્હીના યાત્રાળુઓ સવાર હતા, જેઓ કટરા ખાતે માતા વૈષ્ણોદેવી મંદિર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન આતંકીઓએ પૌની વિસ્તારમાં તેરિયાથ ગામ નજીક ઘાત લગાવીને હુમલો કર્યો હતો. પરિણામે બસ ઊંડી ખીણમાં પડી ગઈ હતી.