જામખંભાળિયાઃ જૂની પેઢીના જનસંઘી કાર્યકર રઘુવંશી સમાજના અગ્રણી નટુભાઈ ગણાત્રાનું 77 વર્ષની ઉંમરે શુક્રવારે અવસાન થતાં ખંભાળિયાની જનતા અને રઘુવંશી સમાજમાં ભારે શોકની લાગણી છવાઈ હતી. નટુભાઈ ગણાત્રા નાનપણથી જ લડાયક નેતા હતા. તેમનું જુસ્સાદાર પ્રવચન સાંભળવા એક સમયે સમગ્ર દ્વારકા જિલ્લાના નગરજનો સભામાં ઊમટતા હતા. જૂના સમયના જનસંઘી કાર્યકર ઇન્દિરા ગાંધીના કટોકટીકાળમાં મિસા હેઠળ જેલમાં પણ જઈ આવ્યા હતા. પાણીનો પ્રશ્ન હોય, રસ્તાનો પ્રશ્ન હોય, સ્મશાનનો પ્રશ્ન હોય કે સ્થાનિક પ્રશ્ન નટુભાઈ હંમેશાં લડતા રહ્યા હતા.