રાજકોટઃ ટીઆરપી અગ્નિકાંડમાં જવાબદાર રાજકોટ મનપાના ડેપ્યુટી ફાયર ઓફિસર વિરુદ્ધ એસીબી તપાસ શરૂ કરતાં ભીખાભાઈ ઠેબાનાં 17 બેન્ક એકાઉન્ટ તેમજ 10 પ્લોટ એસીબીને મળી આવ્યાં છે. મોટાભાગના પ્લોટ રાજકોટ ગોંડલ હાઇવે અને તેની આસપાસમાં વસાવ્યા હોવાનું તપાસમાં ખૂલ્યું છે. ઠેબાએ તમામ મિલકત તેની પત્ની જુબેદાબહેન, પુત્રી નિલોફર તથા પુત્ર નઝીમના નામે વસાવી હોવાનું સામે આવ્યું છે. કુલ રૂ. 80 લાખની પ્રોપર્ટી ઠેબાએ તેની નોકરીના સમયમાં વસાવી હોવાનું સામે આવ્યું છે. સરકારી આવક કરતાં વધુ ખર્ચ તથા વધુ રોકાણ જણાઈ આવતાં એસીબીએ ભીખાભાઈ ઠેબા વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો નોંધ્યો છે. વર્ષ 2012થી માર્ચ 2024 સુધીમાં ઠેબાની સરકારી આવક રૂ. 1.18 કરોડ છે, જેની સામે રૂ.1.20 કરોડનો ખર્ચ થયાનું સામે આવ્યું છે.
ભાજપ નગરસેવકે TRP ગેમિંગ ઝોન ન તોડવા રૂ. 1.5 લાખ લીધા
વર્ષ 2021થી ટીઆરપી ગેમઝોન ગેરકાયદે ધમધમતો હતો. કોર્પોરેશન મુજબ તે દબાણ હેઠળ હતો અને તેના પર બુલડોઝર ફેરવવા કોર્પોરેશનના ટીપી ઓફિસરે નોટિસ પણ ફટકારી હતી. જો કે ત્યારે બીજા કોઈ નહીં પણ ભાજપના જ નગરસેવકે તેનો બચાવ કર્યો હતો અને તેણે રૂ. 1.5 લાખ લીધા હતા. આવું બીજું કોઈ નહીં પણ આરોપી યુવરાજસિંહ સોલંકીએ સીટ સમક્ષ નિવેદન આપ્યું છે. જેના પગલે શુક્રવારે પોલીસે નગરસેવક નીતિન રામાણીની પૂછપરછ શરૂ કરી છે.
અલબત્ત આ પૂછપરછ પછી સીટ કાગળ પર અટકી જશે તેવી ચર્ચા છે, કારણ કે આ ભયાવહ બેદરકારીનો રેલો નગરસેવક રામાણીથી આગળ વધી છેક IAS, IPS અને ભાજપના મોટાં માથાં સુધી પહોંચે તેવી શક્યતા છે.