પાટીલની દિલ્હી વિદાય બાદ હવે ગુજરાત ભાજપનું સુકાન કોના હાથમાં?

Wednesday 12th June 2024 07:02 EDT
 
 

ગાંધીનગરઃ એનડીએ ગઠબંધનના પ્રધાનમંડળમાં સી.આર. પાટીલને કેન્દ્રીય મંત્રી તરીકે સ્થાન અપાયું છે, ત્યારે હવે ગમે તે સમયે ગુજરાત ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફાર આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. પાટીલની દિલ્હી વિદાય બાદ હવે ગુજરાત ભાજપનું સુકાન કોના હાથમાં સોંપવામાં આવે તેવી રાજકીય અટકળો શરૂ થઈ છે.
ગુજરાતમાં કોંગ્રેસનો વોટશેર વધ્યો છે, જે ભાજપ માટે ચિંતાનો વિષય છે. આ તરફ લોકસભાની ચૂંટણીમાં 26 પૈકી 26 બેઠકો જીતીને હેટ્રિક કરવાનું ભાજપનું સપનું રોળાયું છે. સાથેસાથે દસ વર્ષ બાદ બનાસકાંઠાની બેઠક ગુમાવતાં ભાજપ હાઇકમાન્ડ ગુજરાત ભાજપની પ્રદેશ નેતાગીરીથી ખફા છે.
દિલ્હીમાં શપથવિધિ પૂર્ણ થઈ છે, ત્યારે ગમે તે ઘડીએ ગુજરાત ભાજપના સંગઠનમાં ફેરફારો વધુ સંભવ બન્યા છે. હાલના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના સ્થાને ઓબીસી સમાજમાંથી કોઈ નવા નેતાની પસંદગી થવાની અટકળો વહેતી થઈ છે. ગોરધન ઝડફિયાની સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણનું નામ ટોચ પર ચાલી રહ્યું છે.
ભાજપ સરકારમાં સાફસૂફી નિશ્ચિત
લોકસભા ચૂંટણીમાં ભાજપમાં આંતરિક ખેંચતાણના કારણે પરિણામ પર અસર પડી હોવાની હાઇકમાન્ડ સુધી નોંધ લેવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ અગ્નિકાંડ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી ભાજપ સંગઠન અને સરકારમાં પ્રવર્તતી ખેંચતાણ પર લગામ ખેંચાશે એ નક્કી મનાય છે. ગતવર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ગુજરાતના નેતાઓ સાથે અલગ-અલગ તથા સંયુક્ત રીતે બેઠકો યોજી હતી. હવે તેનાં પરિણામો આગામી સમયમાં દેખાશે તે નક્કી છે. એટલે કે પ્રદેશ કક્ષાએ મોટાં પગલાં લેવામાં આવી શકે છે.


comments powered by Disqus