4 જુલાઇ નજીક આવી રહી છે તેમ તેમ બ્રિટનની રાજનીતિમાં ગરમાટો ચરમ પર પહોંચી રહ્યો છે. અત્યાર સુધી ચૂંટણી યોજવાનો ઇનકાર કરી રહેલા વડાપ્રધાન સુનાકે બે સપ્તાહ પહેલાં આશ્ચર્યજનક રીતે ચૂંટણીની જાહેરાત કરીને રાજનીતિના નિષ્ણાતોને પણ મૂંઝવી દીધાં હતાં. સુનાકે સાહસિક નિર્ણય કર્યો છે કે આંધળુકિયું કર્યું છે તે તો 4 જુલાઇ પછી આવનારા પરિણામ જ જણાવશે પરંતુ હાલ સુનાકની મુશ્કેલીઓમાં કોઇ ઘટાડો થઇ રહ્યો નથી. મતદારોમાં કન્ઝર્વેટિવની સરખામણીમાં તોતિંગ લોકપ્રિયતા ધરાવતી લેબર પાર્ટીનો સામનો કરવામાં ટોરીઝ પાછા પડી રહ્યાં હતાં ત્યાં હવે આ ચૂંટણી જંગમાં નાઇજલ ફરાજની એન્ટ્રીએ વડાપ્રધાન રિશી સુનાક અને કન્ઝર્વેટિવ પાર્ટીની ચિંતાઓ વધારી દીધી છે. ટોરીઝના જાની દુશ્મન બની ચૂકેલા અને અત્યાર સુધી સંસદની ચૂંટણીમાં ભાગ લેવાનો ઇનકાર કરી રહેલા નાઇજલ ફરાજે અચાનક રિફોર્મ યુકે પાર્ટીનું નેતૃત્વ સંભાળી ચૂંટણીમાં ઝંપલાવવાનો નિર્ણય કરી સુનાકની મુશ્કેલીઓમાં વધારો કરી દીધો છે. ફરાજનો આ નિર્ણય કન્ઝર્વેટિવ પાર્ટીના અસ્તિત્વ સામે જ પડકારરૂપ બની રહ્યો છે. ફરાજે જે પાર્ટીનું નેતૃત્વ સંભાળી ટોરીઝને પડકાર ફેંક્યો છે તે રિફોર્મ યુકે એજ પાર્ટી છે જે 2019ની ચૂંટણીમાં ટોરીઝને જીતવામાં ઘણી મદદ કરી હતી. હવે આજ રિફોર્મ યુકે કન્ઝર્વેટિવને નડી રહી છે. તાજેતરમાં કરાયેલા સંખ્યાબંધ સરવેમાં કન્ઝર્વેટિવ પાર્ટીથી નારાજ 21 ટકા મતદારો રિફોર્મ યુકેની તરફેણ કરી રહ્યાં છે. જેની સામે લેબર પાર્ટીથી નારાજ ફક્ત 3 ટકા મતદારો રિફોર્મ તરફ ઢળી રહ્યાં છે. નાઇજલ ફરાજ પણ દૂધે ધોયેલા નથી. તેમને બ્રિટિશ રાજનીતિમાં સૌથી વધુ વિભાજિત વ્યક્તિત્વ માનવામાં આવે છે તેમ છતાં તેમની લોકપ્રિયતામાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. નાઇજલ ફરાજે વડાપ્રધાન રિશી સુનાક અને કન્ઝર્વેટિવ પાર્ટીનો ખેલ બગાડવા માટે જ ચૂંટણી જંગમાં ઝંપલાવવાનો નિર્ણય લીધો છે તે તેમના નિવેદનો પરથી સ્પષ્ટ થઇ રહ્યું છે. નોર્મન્ડી ખાતે આયોજિત ડી-ડેની 80મી વરસીની ઉજવણીમાંથી વહેલા નીકળી ગયેલા સુનાક પર આકરો પ્રહાર કરતાં ફરાજે સુનાક દેશપ્રેમી નથી તેવા આરોપો મૂકી દીધાં છે. અગાઉ ફક્ત સુનાક સરકાર અને કન્ઝર્વેટિવની નીતિઓ પર પ્રહાર કરતા ફરાજ વ્યક્તિગત પ્રહાર પર આવી ગયાં છે. ફરાજની એન્ટ્રી પહેલાં રિફોર્મ યુકે ટોરીઝ માટે એટલી પડકારજનક નહોતી. ફરાજની એન્ટ્રી પહેલાના સરવે અનુસાર ટોરીઝ લેબર સામે ઘણી બેઠકો પર ઓછા માર્જિનથી પણ જીતી રહ્યાં હતાં. આ પહેલાં યોજાયેલી પેટાચૂંટણીઓ અને સ્થાનિક સત્તામંડળની ચૂંટણીઓમાં પણ રિફોર્મ યુકેનો દેખાવ એટલો નોંધપાત્ર રહ્યો નહોતો પરંતુ ફરાજની એન્ટ્રીએ સમગ્ર ચિત્ર બદલી નાખ્યું છે. ફરાજના આવવાથી જાણે કે રિફોર્મ યુકેમાં નવું જોમ આવી ગયું છે અને આ જોમ કન્ઝર્વેટિવને જ નુકસાન પહોંચાડશે. ભલે રિફોર્મ યુકે બેઠકો જીતવામાં નિષ્ફળ રહે પરંતુ મતોમાં ગાબડું પાડીને કન્ઝર્વેટિવ ઉમેદવારોને પરાજિત કરવામાં લેબર ઉમેદવારોને મદદ જરૂર કરશે. કન્ઝર્વેટિવ નેતાઓ પણ માની રહ્યાં છે કે ફરાજની એન્ટ્રી ટોરીઝ માટે માઠા સમાચાર છે. ફરાજનું આગમન રિશી સુનાક માટે દુર્ઘટના પૂરવાર થશે.