અમદાવાદઃ ભરૂચમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર સમયે આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. જો કે તમામ વિપરીત સંભાવનાઓનો છેદ ઉડાડીને ભરૂચમાં મનસુખ વસાવા સતત સાતમી વખત લોકસભાની ચૂંટણી જીતીને સાંસદ બન્યા છે. જ્યારે ભાજપને મળેલી આ સળંગ અગિયારમી જીત છે. જો કે મનસુખ વસાવાની લીડ ગત ચૂંટણી કરતાં અઢી લાખ ઘટી છે, છતાંય ‘ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ’.
કોના વિક્રમની બરાબરી કરી?
ગુજરાતમાં ભરૂચ લોકસભા બેઠક પરથી ભાજપના મનસુખ વસાવા 1998થી સતત ચૂંટાતા સાંસદ છે. ત્યારથી લઈ 2024 સુધી યોજાયેલી સાતેય લોકસભા ચૂંટણીમાં મનસુખભાઈ ભરૂચ બેઠકથી સાંસદ બન્યા છે. આ સાથે જ તેમણે ગુજરાતમાંથી 7 ટર્મ સાંસદ રહેલા ત્રણ સાંસદની બરોબરી કરી છે. કોંગ્રેસના સોમજી ડામોર-દાહોદ, છીતુ ગામિત-માંડવી બેઠક પરથી અને ભાજપના હરીન પાઠક-અમદાવાદ પૂર્વ બેઠક પરથી 7 ટર્મ સાંસદ રહ્યા છે. નવી ચૂંટાયેલી 18મી લોકસભામાં ગુજરાતમાંથી મનસુખ વસાવા બાદ સી.આર. પાટીલ સૌથી વધુ 4 ટર્મથી નવસારીથી સાંસદ છે.