ભાજપ આ ચૂંટણીમાં ભારે ઉત્સાહમાં અને આત્મવિશ્વાસથી ભરપુર દેખાઈ રહ્યો હતો. આ જ અતિ આત્મવિશ્વાસમાં ભાજપ દ્વારા તમામ બેઠકો પર પાંચ લાખથી વધુની સરસાઈનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. જો કે આ શક્ય બની શક્યું નથી, અને તેની પાછળ અનેક કારણો જવાબદાર છે. ભાજપ તેના આ લક્ષ્યાંકમાં નિષ્ફળ જતાં આત્મમંથન કરી રહ્યો છે, તો 26 પૈકી એક બેઠકને હસ્તગત ન કરી શકવા અંગે પણ વિચારવિમર્શ કરી રહ્યો છે.
આંતરિક ઝઘડા
વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપના આંતરિક ઝઘડાએ વિકરાળ સ્વરૂપ લીધું હતું. વિધાનસભાની ટિકિટો વખતે ભાજપમાં તોડફોડ શરૂ થઈ પણ તે વખતે સમય સચવાયો. જો કે આનાથી ભાજપ નેતાગીરી સામે વિરોધ કરવાની પેટર્ન બની અને આંતરિક નુકસાનનો ખેલ શરૂ થયો.
કાર્યકરોની નારાજગી
કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને મળતાં માનપાન અને પદથી ભાજપના કાર્યકરો મુંઝાયેલો હતો. આ મુંઝાયેલા કાર્યકરો છેતરાયાની લાગણી અનુભવતા હોવાથી બેઠકોમાં આવ્યા પણ કામગીરીથી દૂર રહ્યા. ટિકિટની આશા છતાં ટિકિટ ન મળતાં કાર્યકરોનાં મન દુભાયાં અને કામ ન કર્યું.
પેજ મોડલનો ફિયાસ્કો
સી.આર. પાટીલે રજૂ કરેલા પેજ પ્રમુખ મોડેલથી ધાર્યું પરિણામ મળવાની આશા હતી. જેે સ્થાનિક સ્વરાજ્ય અને વિધાનસભા ચૂંટણીમાં કેટલેક અંશે કામ કરી ગયું, પરંતુ લોકસભાની ચૂંટણીમાં આ મોડેલનો ફુગ્ગો જાણે ફૂટી ગયો. ભાજપના કાર્યકરો લોકસંપર્ક ન કરી શક્યા.
કોંગ્રેસ એકજૂથ રહી
અત્યાર સુધીની મોટાભાગે ચૂંટણીમાં કોંગ્રેસની ઉદાસીનતા કારણભૂત હતી. કોંગ્રેસમાં સતત થતા રહેતા કકળાટનો સીધો લાભ ભાજપના ખાતામાં જમા થતો હતો, પરંતુ આ વખતે કોંગ્રેસે મજબૂત હરીફાઇ આપી. ક્યાંય પણ કોઈ મુદ્દે કોંગ્રેસમાં આંતરિક માથાકૂટ થતી હોવાના કિસ્સા ન બન્યા.
ક્ષત્રિય ફેક્ટર
ભાજપના નેતાઓ કહેતા રહ્યા કે ક્ષત્રિય આંદોલનની ચૂંટણી પર અસર નહીં થાય. ચૂંટણી માટે ક્ષત્રિયો પ્રભાવી પરિબળ નથી. આ જ ગણતરી સાથે આ મુદ્દો નજરઅંદાજ કરે રાખ્યો, પરંતુ નાની સંખ્યા મળીને તે આંકડો મોટો બન્યો અને તેનાથી ભાજપ ઉમેદવારોની લીડ કપાઈ.