ભુજઃ કચ્છ જિલ્લાના પાટનગર ભુજ શહેરની શાન ગણાતા ભુજિયા ડુંગર ખાતે સ્મૃતિવન પ્રવાસી વર્ગમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે પણ ભુજિયા ડુંગરની સ્થિતિ સૂમસામ ભાસી રહી છે. અહીં શિલ્પ-સ્થાપત્યનો નમૂનેદાર કિલ્લો તેમજ નાનાં-મોટાં મંદિરો આવેલાં છે તે બાજુ સતત નુકસાન થઈ રહ્યું છે.
કચ્છ- ભુજની ઓળખ જાળવવામાં સરકારી તંત્રમાં ઉદાસીનતાની સ્થિતિ રહેશે તો ભુજિયા ડુંગરનો કિલ્લો નામશેષ થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે તેમ છે. કિલ્લાની દીવાલો ધીમે ધીમે ખવાઈ રહી છે અને ડુંગર ઉપર ચડવા માટેનાં પગથિયાં પણ ક્યાંક ક્યાંક જર્જરિત થઈ રહ્યાં છે. ભુજંગદેવના મેળા સિવાય કિલ્લો સુમસામ ભાસતો હોય છે. કિલ્લાની મરામત સાથે જ શિલ્પ સ્થાપત્યો, મંદિરોની જાળવણી સાથે કિલ્લા સુધી જવાનો માર્ગ બનાવાય તો પ્રવાસીઓમાં ભુજિયા ડુંગરનું આકર્ષણ વધી શકે તેમ છે.
કચ્છના ભૂકંપમાં દિવંગત થયેલા લોકોની સ્મૃતિમાં ભુજિયા ડુંગરની એકબાજુ આધુનિક પ્રવાસીઓને ભૂકંપની અનુભૂતિ કરાવવા આધુનિક ઓડિયો વિઝ્યુઅલ અને લાઇટિંગ ટેકનિકના ઉપયોગ સાથે સ્મૃતિવનનું નિર્માણ કરાયું છે. ભૂકંપના સમયની કંપારીનાં દૃશ્યો સાથે કંપનના અનુભવો કરાવતું સ્મૃતિવન પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભૂકંપ પછી બનાવાયેલા સ્મૃતિવન ખાતે દેશભરથી પ્રવાસીઓ આવે છે. તે સિવાય ભુજના સ્થાનિક લોકો પણ સવારે વોકિંગ કરવા આવતા હોય છે.
ભુજિયા ડુંગરની બીજી તરફ રાજાશાહીના સમયમાં બનાવાયેલો કિલ્લો છે. આ કિલ્લો અતિપ્રાચીન હોવાની સાથે ઐતિહાસિક બાંધકામ અને સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. અહીં ભુજંગદેવના મંદિર સિવાય અનેક નાનાં-મોટાં મંદિરો પણ આવેલાં છે. ભૂકંપમાં આ કિલ્લાને ખાસ્સું એવું નુકસાન થયું હતું.