(ગતાંકથી ચાલુ - ભાગ 3)
‘સીટી ઓફ લેક’ તરીકે ઓળખાતું ભોપાલ રાજા ભોજની દેન છે. હજારેક વર્ષ પહેલા રાજા ભોજે પ્રજા માટે કરેલ પીવાના પાણીની વ્યવસ્થાનું સાક્ષી છે. રાજાએ એક વિશાળ સરોવર તૈયાર કરાવી એમાં નદીના પાણીનો સંગ્રહ કરી ગ્રામજનોના પીવા માટેના પાણીનો સ્ત્રોત ડેમનું સર્જન કરી ઉભો કર્યો. એ ઉપરાંત માછલી અને વોટર ચેસનટ્સના ઉછેરમાં પણ એ પાણીનો ઉપયોગ થતો. ૧૭૯૪માં નવાબના મિનિસ્ટર શ્રી હયત મહમ્મદ ખાન-છોટે નવાબે લોઅર લેક બંધાવ્યું હતું. આ સરોવર ૧.૩ કિ.મિ.ના વિસ્તારમાં પથરાયેલ છે. ૯.૬ કિ.મિ. નો વિસ્તાર આવરી લે છે. કલા-સંસ્કૃતિ, સ્થાપત્ય, મ્યુઝિયમ, વન-વિહાર અને કુદરતી સંપત્તિનો ભંડાર ભોપાલની આગવી ઓળખ છે.
ભોપાલનું મુખ્ય આકર્ષણ ‘રાજ્ય પુરાતત્વ સંગ્રહાલય’ છે. જુદા જુદા વિષય આધારિત ૧૬ ગૅલરીઓ છે. જ્યાં હિન્દુ, જૈન, બૌધ્ધ વગેરે ભારતીય ધર્મોના સ્થાપકોની વિશિષ્ઠ પ્રતિમાઓ અને એ ક્યાંથી મળી આવી છે તેની વિગત, શૃંગ કાલની લોકકલાથી માંડી ગુપ્તકાલની શાસ્ત્રીય કલા, અલંકરણ, જુદા જુદા યુગના કાવ્યો, પ્રાચીન ભારતીય લિપિઓ, જૂના અવશેષો, પેઇન્ટીંગ્સ, ટેક્સટાઇલ,દસ્તાવેજો, પોસ્ટલ સ્ટેમ્પ્સ, સિક્કાઓ, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે સંકળાયેલ હથિયારો, સામંતી સમાજનો વૈભવ, આડંબરપ્રિયતા એવં વિલાસપ્રિયતા, વૈષ્ણવ અને શિવ મતની વધતી જતી લોકપ્રિયતા, બુધ્ધનો હિન્દુ અવતારોમાં સામેલ, શક્તિ પૂજા, તંત્ર વિદ્યા આદિ સંદર્ભોના તાણાવાણાં ગૂંથવામાં આવ્યા છે. વિશિષ્ઠ રાજવંશોના શાસનકાળની કલા-શૈલીઓનું આ પ્રદર્શન સંશોધનકારો તેમજ વિદ્યાર્થીઓ માટે સહાયક થાય એવું છે. ભોપાલનું ટ્રાઇબલ હેરીટેજ અને ભારતની સૌથી મોટી તાજ-ઉલ-મસ્જિદ શ્વાસ થંભાવી દે તેવી છે. ૧૮૬૮માં બેગમ શાહજહાંને બંધાવેલ જે મસ્જિદોના તાજ સમાન છે.
શૌકત મહેલ : ચોક વિસ્તારના પ્રવેશ પાસે આવેલ ૧૯મી સદીમાં બંધાવેલ શૌકત મહેલ ફ્રેન્ચ અને ઇસ્લામીક આર્કીટેકચરનું મિશ્રણ છે. ફ્રાન્સના રાજાએ ડીઝાઇન કરેલ આ ઇમારત અદ્ભુત ઐતિહાસિક નમૂનો છે. નજીકમાં ભોપાલના ભૂતપૂર્વ શાસકોની સરદાર મંઝિલ, જાહેર સભાજનોનો હોલ એની ભવ્યતાનું ધોતક છે.
ભોપાલનું યોધ્ધાઓનું ‘શૌર્ય સ્મારક’ સૈનિકોના બલિદાનની ગાથા ગાતું
બહુવિધ સ્થાપત્યકલાના દર્શન કરાવે છે. અન્ડરગ્રાઉન્ડમાં આવેલ ગેલરીઓમાં સબમરીન્સ, વોરશીપ્સ અને એરક્રાફ્ટ્સ જોવા જેવા છે.
૪૪૫ એકરમાં પથરાયેલ પ્રકૃતિનો વૈભવ અને વન વિહાર ભોપાલની મધ્યમાં આવેલ છે એનો લાભ પણ લેવા જેવો છે.
ચોક માર્કેટ : જૂના જમાનાના શહેરનો હાર્દ સમાન વિસ્તાર. જ્યાં જૂની મસ્જિદો અને હવેલીઓ, દુકાનો અને સાઁકડી ગલીઓ, ભોપાલની પરંપરાગત કલા તેમજ સિલ્વર જ્વેલરી વગેરેની અદ્ભૂત ઝાંખી જોવા મળે છે.
ભોજપુર મંદિર : ભોપાલથી ૨૮ કિ.મિ. દૂર આવેલ સ્થાપત્ય કલાના અદ્ભૂત નમૂના સમા શિવ મંદિરનું સર્જન ૧૧મી સદીમાં પરમાર વંશજ રાજા ભોજે કર્યું હતું. ૧૭.૮’ની પરિઘ, ૨૧.૫’ના ચોરસ વિસ્તારમાં અને ત્રણ સ્તરીય લાઇમસ્ટોન બ્લોક્સની ઉપર આવેલ ૭.૫’ ઊંચું શિવલિંગ જેનો જોટો જડે એમ નથી. માથે તપતો સૂરજ, દઝાડે એવી ગરમીમાં ય આટલે દૂર આવ્યા છે તો એના દર્શન કર્યા વિના કેમ જવાય?! એ વિચારે દર્શન કરવા જવાનું સાહસ કર્યું. શિવલિંગ નીચે વિશાળ છત્રી હેઠળ ઉભા રહી છાંયો મેળવવાનો પ્રયાસ કર્યો. એની પ્રદક્ષિણા કરી. ઊંચી નજરે એ વિરાટકાય શિવલિંગ સામે મસ્તક ઝુકાવતા એના નિર્માતાને આપોઆપ વંદન થઇ જાય એવું એ મંદિર હતું. એનું છત્ર કલાત્મક કોતરણીવાળું હતું.
(ક્રમશઃ)