દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાપક પ્રમાણમાં ઝડપાયેલા ડ્રગ્સ સહિતના નશાકારક પદાર્થોએ વ્યાપક ચર્ચાઓ જગાવી છે. ત્યારે ગત મોડી રાત્રે દ્વારકા નજીકના રૂપેણ બંદર તથા વરવાળા વિસ્તારના દરિયાકાંઠેથી ચરસનાં 30 પેકેટનો બિનવારસી જથ્થો મળ્યો, જેનું કુલ વજન 32.053 કિલો હતું અને તેની કુલ કિંમત રૂ. 16.65 કરોડ થાય છે.
યુવાનોની જિંદગી બચાવવા અમે કટિબદ્ધ છે: હર્ષ સંઘવી
આ સમગ્ર મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ દ્વારા દ્વારકાના વરવાળા ગામના દરિયાકિનારેથી બાતમીના આધારે રૂ. 16 કરોડની કિંમત ધરાવતાં 30 પેકેટમાં 32 કિલો ચરસ સાથે ડ્રગ્સ માફિયાઓને ઝડપીને આગળ કાર્યવાહી હાથ ધરાઈ છે, તેમજ સંકળાયેલા વધુ ડ્રગ્સ માફિયાઓને પકડવાની તજવીજ ચાલુ છે. નશામુક્ત ગુજરાતના નિર્માણની દિશામાં દ્વારકા પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી સરાહનીય છે.