તમામ રસનું પાન કરાવતા ગુજરાત સમાચારના ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’માં 6 જૂને લોકસભા ચૂંટણી અને તેના પરિણામ અંગે ચર્ચા કરવામાં આવી. જેમાં દેશની મહત્ત્વની બે મોટી પાર્ટી કોંગ્રેસ અને ભાજપના દિગ્ગજો સહિત ખ્યાતિપ્રાપ્ત પત્રકાર અને સરકારી વિભાગનો હિસ્સો રહી ચૂકેલા મહાનુભાવોએ હાજરી આપી.
કાર્યક્રમનું સંચાલન કરતાં ગુજરાત સમાચારના એડિટર ઇન ચીફ સી.બી. પટેલે જણાવ્યું કે, લોકસભાની ચૂંટણી એ લોકશાહીનું મોટું પર્વ છે. સમગ્ર વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતા આપણા દેશની લોકસભાની ચૂંટણીમાં કરોડો મતદારો, 15 લાખ જેટલા ચૂંટણી અધિકારી અને ચૂંટણી અધિકારી દ્વારા દાખવાયેલો ઉત્સાહ અંગે આપણે ગૌરવ લઈ શકીએ છીએ.
આ ખાસ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’માં ભાજપના પ્રવક્તા જયેશભાઈ વ્યાસ અને કોંગ્રેસ પ્રવક્તા મનીષભાઈ દોશી જોડાયા, તો મહારાષ્ટ્ર વિધાનસભાના પૂર્વ મિનિસ્ટર અને પૂર્વ સ્પીકર ડો. અરુણભાઈ ગુજરાથી જેવા દિગ્ગજે ચૂંટણી અને રાજકારણ અંગે પૂરતી માહિતી આપી. તો આ માહિતીમાં વધારો કરવા દિગ્ગજ પત્રકાર અને લેખક સુધીરભાઈ રાવલે પોતાનો અનુભવ અને અધ્યયન રજૂ કર્યું
સી.બી. પટેલે ચૂંટણી અંગેની માહિતી આપવા આમંત્રણ આપતાં બ્યૂરોચીફ નિલેશ પરમાર દ્વારા સમાચારોનું મંચન કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસ પ્રવક્તા મનીષભાઈ દોશીને ચર્ચામાં આમંત્રણ આપતાં સી.બી. પટેલે પૂછયું કે, એક્ઝિટ પોલનું તારણ કંઈ અલગ આવ્યું અને બીજા દિવસે પરિણામ કંઈ અલગ જ... આનું કારણ શું?
મનીષભાઈ દોશીઃ એક્ઝિટ પોલ એક્ઝેટ પોલ કરતાં અલગ જ નીકળ્યા. ભૂતકાળમાં પણ આટલી હદનો ડિફરન્ટ નહોતો આવ્યો. પહેલી વાર થયું કે એક્ઝિટ પોલ તે એકદમ ખોટા પડ્યા. એક્ઝિટ પોલના કારણે શેરબજારમાં દેશના સામાન્ય રોકાણકારોના રૂ. 30 લાખ કરોડ ધોવાઈ ગયા. આ દેશ માટે એક આંચકાસમાન હતું. આ ચૂંટણી પ્રક્રિયા ભારતભર માટે એક ગૌરવસમાન રહી અને તેમાં જે પરિણામ આવ્યાં તેના દ્વારા સામાન્ય માણસો દ્વારા એક સુંદર સંદેશ આપવામાં આવ્યો છે. આ સામાન્ય પરિણામ નથી.
અમારા વિપક્ષ માટે પણ આ ખૂબ સરસ પરિણામ છે. લોકો દ્વારા પણ અમને જનસમર્થન અપાયું. આમ સમગ્રતયા જોઈએ તો સત્તાધારી પક્ષનાં 10 વર્ષનાં લેખાંજોખાં જોઈ જનતાએ કહ્યું છે કે, તમે ખૂબ વાયદા આપ્યા, પરંતુ જનતાની મોંઘવારી અને બેરોજગારી સહિતની સમસ્યાઓ અંગે ‘થોભી જાઓ.’ તમારી નીતિ અને પદ્ધતિ બદલો અને સામાન્ય માણસની તકલીફો છે તે માટે વિચાર કરો. સરકાર પાસે સામાન્ય માણસ અપેક્ષા રાખતો હોય, ત્યારે સરકાર તેમની વાત પર અભ્યાસ કરવાના બદલે બીજી વાતો પર ધ્યાન આપે છે, જેના પર જનતાએ આપેલો નિર્ણય મતદાનમાં દેખાઈ રહ્યો છે.
મનીષભાઈ દોશી દ્વારા આ વખતના મતદાનમાં મતદારોનો મિજાજ જાણ્યા બાદ સી.બી. પટેલે જયેશભાઈ વ્યાસને તેમના વિચારો જણાવવા આમંત્રણ આપ્યું.
જયેશભાઈ વ્યાસઃ ગુજરાતમાં ક્યારેય પ્રાદેશિક પક્ષોનું મહત્ત્વ નથી રહ્યું. ગુજરાતમાં સામાજિક રીતે વિભાજન, અથવા અન્ય કારણોથી આંદોલન કે મુદ્દાઓ બનતા રહ્યા છે, પરંતુ તેની અસર મતપેટીઓ પર નથી દેખાઈ. સાથોસાથ અનેક સ્થળોએ વધારે મતથી ભાજપ જીત્યો છે.
લોકસભાની ચૂંટણીમાં ભાજપને અપેક્ષા કરતાં ચોક્કસ ઓછી બેઠક મળી છે. ઉત્તરપ્રદેશ સહિત બેથી ત્રણ રાજ્યમાં બેઠકોનો ઘટાડો નોંધનીય છે. આ અંગેનાં કારણો અનેક છે અને તેના માટે પક્ષ પણ ભવિષ્યમાં કામ કરશે. આ બધી વાત સાથે ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે, તે અંગે ભાજપના કાર્યકર અને નાગરિક તરીકે તેનો ચોક્કસ આનંદ છે. નરેન્દ્રભાઈ જેવા નેતૃત્વને વૈશ્વિક દૃષ્ટિએ સ્વીકારાયું છે. નરેન્દ્રભાઈને ધાર્યા કરતાં ઓછા મત મળતાં સમગ્ર વિશ્વમાં તેની ખુશી વ્યક્ત કરનારા વર્ગ કરતાં દુઃખ વ્યક્ત કરતો વર્ગ વિશેષ છે. ભારતીય જનતા પક્ષને મળેલી સીટો અને કોંગ્રેસને મળેલી સીટ વચ્ચેનું અંતર અઢી ગણું છે, તે પરમ સત્ય છે.
જયેશભાઈ દોશીનો દૃષ્ટિકોણ જાણ્યા બાદ મનીષભાઈ દોશીએ જણાવ્યું કે, મને આનંદ છે કે ગુજરાતમાંથી એક સામાન્ય પરિવારની દીકરી ‘બનાસની દીકરી-બહેન’ સંઘર્ષ કરીને જીતી છે અને તે મહિલા તરીકે ગુજરાતનું પ્રતિનિધિત્વ દેશની સંસદમાં કરશે. ભૂતકાળમાં ધારાસભ્ય તરીકે તેમની લડાયક વૃત્તિ રહી છે. તેમને જનતાએ નોટ અને વોટ બંને આપ્યાં. જ્યારે રાજ્યમાં કોંગ્રેસ વિરુદ્ધમાં એક મશીનરી ચોક્કસ પ્રવાહમાં કામ કરતી હોય, ત્યારે તેની સામે એક સામાન્ય પરિવારની બનાસની દીકરી ચુંટાય અને તેને જનતાના આશીર્વાદ મળે તે લોકતંત્રની સૌથી જીત છે. રાજ્યમાં બારથી વધુ બેઠક પર કોંગ્રેસે મજબૂતાઈથી લડત લડી. હા અમને ધારી હતી તેનાથી ત્રણથી ચાર બેઠક નથી મળી, પરંતુ સમગ્રતયા આ મોટી જીત છે.
સી.બી. પટેલે બીજેપી ફ્રેન્ડ્સ ઓફ ઓવરસીઝના દીપકભાઈ પટેલને પૂછ્યું કે, તમે એક મહિના માટે યુકેથી આણંદમાં ભાજપનો પ્રચાર કરવા ગયા હતા ત્યારે શું કામ કર્યું? ક્ષત્રિય બહુમતી ધરાવતા આણંદમાં બીજી વખત પટેલ ચુંટાયા તેનું કારણ શું?
દીપકભાઈ પટેલઃ આ વખતે ચૂંટણી ગ્રાઉન્ડ પર રહેવાનો મારો પહેલો અનુભવ હતો. હું પાંચ વર્ષથી રાહ જોઈ રહ્યો હતો કે લોકસભા-2024ની ચૂંટણીમાં મારે એક મહિનો તો ચૂંટણી પ્રચાર માટે ગ્રાઉન્ડ પર રહેવું જ છે અને પ્રચારની સેવા આપવાની જ છે. મેં નક્કી કર્યું હતું કે. મારી હોલિડે ન વાપરીને હું ચૂંટણી પ્રચાર માટે ચોક્કસ આણંદ, નડિયાદ, ગાંધીનગર જઈશ. ગુજરાતમાં મેં અમદાવાદથી એનઆરઆઇ ફોર મોદી રેલી દ્વારા 11 લોકસભા વિસ્તારને કવર કરવા ઉપરાંત ડોર-ટુ-ડોર પ્રચાર પણ કર્યો. આ દરમિયાન મેં લોકસુખાકારી રૂપ પરિયોજનાથી લોકોમાં ભાજપ અને પ્રધાનમંત્રી પ્રત્યે લાગણી જોઈ. આ જોઈ મને લાગ્યું કે, પાર્ટી માટે મેં જે સમય ફાળવ્યો તે વ્યર્થ નથી, પાર્ટી સારામાં સારું કામ કરી રહી છે, તેમાં મારું પણ યોગદાન છે તેનો મને આનંદ છે.
દીપકભાઈ પટેલનું યોગદાન અને અનુભવ જાણ્યા બાદ સી.બી. પટેલે સુધીરભાઈ રાવલને પૂછયું કે, ભાજપને 65 જેટલી બેઠક ઓછી મળશે. તમને આ અંગે કેવી રીતે અંદાજો આવ્યો?
સુધીરભાઈ રાવલઃ એક પત્રકાર જ્યારે પત્રકારિતાની રીતે જ્યારે મૂલ્યાંકન કરતો હોય ત્યારે તેનો વ્યક્તિગત પ્રેમ ગમે તેની સાથે ગમે તેવો હોય પણ જે-તે વિષયવસ્તુ અંગેના નિર્ણયો, નીતિ-રીતિ પર તેનું મૂલ્યાંકન હોવું જરૂરી છે. મેં જે લેખ લખ્યા તેના દ્વારા મારી છાપ એન્ટિ મોદી તરીકે, કોંગ્રેસી તરીકે અથવા મોદીભક્ત તરીકેની થતી રહેતી હોય. આવું થાય ત્યારે પણ સંતોષ થાય છે કે પત્રકારત્વ તરીકે આ સારું પ્રમાણપત્ર છે.
જનાદેશનો સવાલ છે ત્યારે મેં અન્ય રાજ્યોમાં ફરીને જમીન પરની પરિસ્થિતિ જોઈ છે. નરેન્દ્રભાઈ અને ભાજપ દ્વારા પ્રચાર પર ખૂબ જોર અપાય છે. આ એમની એક ખૂબી, સ્ટાઇલ અને પ્રથા છે. આ સ્થિતિમાં પત્રકાર તરીકે અમારે નિર્લિપ્ત રહેવું પડે. જનાદેશ મારા માટે આંચકાસમાન નથી, જે પ્રમાણે અપેક્ષિત હતો તે પ્રમાણે જ આવ્યો છે. મેં નરેન્દ્ર મોદી માટે ત્રણથી વધુ પુસ્તક લખ્યાં છે, તો હું તેમની ટીકા કરું તો એ પણ એટલા જ નિર્લિપ્ત ભાવે કરું છું. નરેન્દ્રભાઈ સામે બેઠા હોય તો પણ મને અયોગ્ય લાગે તો કહી દઉં.
વર્ષ 2014માં કોંગ્રેસની સામે એન્ટિ ઇન્કમ્બન્સીનું વાતાવરણ હતું. આ સમયે નરેન્દ્રભાઈને જનતાએ બે બાબતે પ્રધાનમંત્રી બનાવ્યા હતા - ડેવલપમેન્ટ એજન્ડા અને ગુડ ગવર્નન્સ. આ બંને મુદ્દે દેશે તેમને ખોબલેને ખોબલે મત આપીને જીતાડ્યા. તો 2019માં રાષ્ટ્રવાદનું મોજું આવ્યું. પુલવામા હુમલાના રોષ વચ્ચે તેમને જબરજસ્ત સમર્થન મળ્યું. આ 10 વર્ષમાં નરેન્દ્રભાઈએ ખૂબ મહેનતથી સિદ્ધિઓ પ્રાપ્ત પણ કરી. જો કે ઘણી બાબતે કોન્ટ્રોવર્સી છે અને વિપક્ષોને ઉતારી પાડવામાં આવે છે તે પણ હકીકત છે.
આ જનાદેશથી ફેડરલ સ્ટ્રક્ચરને જનતાએ વધુ મજબૂત બનાવ્યું છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, કેરલ તમામ સ્થળે અલગ-અલગ જનાદેશ જોવા મળશે. ક્યાંય એક પેટર્ન નથી, ક્યાંય મોદી મેજિક જોવા મળતો નથી. ભારતીય જનતાએ બેલેન્સ્ડ રીતે ધર્માંધતાને જાકારો આપ્યો છે.
હું રાહુલ ગાંધી અને વિપક્ષને એ રીતે બિરદાવું છું કે, આટલી સત્તા, સંસાધનો, અનૈતિક રાજકારણ અને તમામ પડકારો વચ્ચે તે મજબૂત રીતે ઊભા રહ્યા. બંધારણની જે રક્ષા થવી જોઈતી હતી તે થઈ. 150 સાંસદોને એકસાથે કલમના જોરે સ્પીકરના ઇશારાથી બહાર કાઢી મુકાય તે અયોગ્ય છે. આ ડેમોક્રેસી નથી. ચીફ મિનિસ્ટરને જેલમાં મોકલી દેવાય તે પણ ડેમોક્રેસી નથી. દેશના લોકોને મોદી સરકાર, મોદી ગેરંટી જેવું વ્યક્તિત્વ કેન્દ્રિત વલણ પણ પસંદ નથી આવ્યું. આ જ કારણે હાલમાં એનડીએ સરકાર બોલાય છે, મોદી સરકાર નહીં.
કોંગ્રેસે પ્રચારમાં મુદ્દાની વાત પકડી હતી મોંઘવારી અને બેરોજગારી. આપણે ભલે અમીર-ગરીબની અને જી-20ની વાતો કરીએ, પણ જાણી લેવું જોઈએ કે આ દેશમાં બે ભારત છે તે વાસ્તવિકતા છે. દેશની 44 ટકા જનતાને રાત્રે જમવાનું મળશે કે નહીં તેની ખબર નથી. બીજી તરફ અર્બન અને રૂરલની ખાઈ એટલી ઊંડી છે કે શહેરીજનોને આ વાત સમજાતી નહીં. ગરીબોની વાત કરતાં તેમને ખબર જ નથી કે ગરીબી અને ભૂખમરો શું છે? આપણે વિશ્વગુરુ બનવાની ઘેલછામાં તે લોકોને દારૂણ અવસ્થામાં જોઈ નથી શકતા.
લોકસભા જનાદેશ પરનો સુધીરભાઈનો દૃષ્ટિકોણ જાણ્યા બાદ સી.બી. પટેલ દ્વારા અરુણભાઈ ગુજરાથીને આમંત્રણ આપતાં પૂછવામાં આવ્યું કે, મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભાજપને જાકારો મળ્યો તેનું કારણ શું?
અરુણભાઈ ગુજરાથીઃ આજે વિશ્વમાં ભારતીય ડેમોક્રેસી સૌથી મોટી અને નંબર-1 છે. ડેમોક્રેસીની ડેફિનેશન ઓફ ધ પીપલ – બાય ધ પીપલ - ફોર ધ પીપલ છે, પરંતુ હાલની ડેફિનેશન ઓફ ધ પીપલ - બાય રિચ પીપલ - ફોર પૂઅર પીપલ થઈ ગઈ છે. કોઈ ગરીબ માણસ ચૂંટણી લડી નહીં શકે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડવા કરોડો રૂપિયા લાગે. કોઈ મિડલ ક્લાસ કે ગરીબ માણસ કેવી રીતે લડી શકે?
અરુણભાઈ ગુજરાથીની નીતિમતા સાથેની વાત જાણ્યા બાદ સી.બી. પટેલે સુધીરભાઈ રાવલને પૂછ્યછયું કે, હાલમાં જે રાષ્ટ્રીય ધોરણે થઈ રહ્યું છે તેને જોતાં ભારતનું ભવિષ્ય કેવું છે?
સુધીરભાઈ રાવલઃ મને એવું લાગે છે કે, નરેન્દ્રભાઈનું નેતૃત્વ સક્ષમ છે. તેમની પાસે અન્ય પ્રધાનમંત્રી કરતાં વધુ સફળ થવાની તક છે, જે આ પાંચ વર્ષમાં વધારે જોવા મળશે. આવનારાં વર્ષોમાં ડેવલપમેન્ટના એજન્ડામાં પણ જે રીતે ભારતની ઇકોનોમી આગળ વધી રહી છે, પરંતુ તેમાં શરત એક જ છે કે તેમાં ધર્માંધ પરિબળો હાવી ન થાય. મને નથી લાગતું કે આવનારાં પાંચ વર્ષમાં ભારતનું ભવિષ્ય વધુ ઊજળું બનશે. ક્યાંય જોતાં નથી લાગતું કે ભારતની ગતિ ક્યાંય પણ ધીમી પડશે. ઊલટાની ઉન્નતી થશે તે માટે હું દિલથી આશાવાદી છું.
સુધીરભાઈ રાવલ દ્વારા આવનારા સમયમાં ભારતનું રાજકીય ભાંખ્યા બાદ સી.બી. પટેલે કહ્યું કે, આ યુતિ સરકારમાં કંઈ ખરાબી નથી. અટલ બિહારી વાજપેયી પ્રધાનમંત્રી બન્યાના 13 દિવસમાં રાજીનામું આપવું પડ્યું. જો કે બાદમાં 24 પક્ષોને સાથે રાખે તેમણે સરકારનું ગઠન કર્યું હતું અને ઘણાં કાર્ય કર્યાં હતાં. આને જ કહેવાય ‘સમય વર્તે સાવધાન.’ મોદી સારા નેગોશિયેટર છે. છેલ્લા એક વર્ષમાં તેમણે અનેક નિર્ણયો લીધા. તેઓ ધર્માંધતા અને ધાર્મિકતા વચ્ચેનો ફરક સમજે છે.
ભારતીય રાજનીતિ અને ચૂંટણીના પરિણામ અંગેનો સર્વસ્વીકૃત દૃષ્ટિકોણ રજૂ કરી સી.બી. પટેલે મનીષભાઈ દોશીને તેમના વિચારો રજૂ કરવા આમંત્રણ આપ્યું.
મનીષભાઈ દોશીઃ કોંગ્રેસ હાઇકમાન્ડ અને સમગ્ર ઇન્ડિયા ગઠબંધને એક વાત કહી છે કે, અમને જનતાએ જે મેન્ડેટ આપ્યો છે, જેના આધારે અમે રાહ જોઈ રહ્યા છીએ. અમારું કામ છે આ દેશના હિતમાં કોંગ્રેસ અને અમારું ગઠબંધન હંમેશાં કેન્દ્રસ્થાને અને સહયોગમાં રહેશે. દેશની જેમ વિશ્વમાં પણ વધતી જતી અસમાનતાના કારણે લોકોની હાલત બદથી બદતર બની જાય છે. આપણે જાહેરાતમાં નહીં ખરેખર વિશ્વગુરુ બનવું હોય તો આપણે સૌને સાથે લઈને ચાલવું પડશે. સમાનતા વિના કંઈ જ શક્ય નથી.
મનીષભાઈના વિચારો જાણ્યા બાદ સી.બી. પટેલે કહ્યું કે, ભારતના મતદારોએ પોતાનો મિજાજ વ્યક્ત કર્યો. એક જમાનામાં કોંગ્રેસવાળા ઈવીએમ સહિતના મુદ્દે વિરોધ કરતા હતા, આમ છતાં જનતાએ વોટ આપ્યા અને હાલમાં ભાજપને જ પાણી-પાણી થવું પડી રહ્યું છે. જો કે આ પરિણામ ખરેખર વેકઅપ કોલ છે.
સી.બી. પટેલનો પોઇન્ટ ઓફ વ્યૂ જાણ્યા બાદ ગ્રૂપ એડિટર મહેશભાઈએ આભાર વિધિ કરતાં કહ્યું કે, આજે ઘણાબધા મહેમાન વક્તાઓ અને વિદ્વજનોએ પોતાની વાત રજૂ કરી. આ સાથે જ્યારે યુકેમાં પણ જ્યારે ચૂંટણીનો માહોલ જામ્મો છે ત્યારે ભારતની ચૂંટણીનાં પરિણામોએ એક કડક અને સ્પષ્ટ સંદેશ આપવાની સાથે મંથન અને ચિંતન કરવા માટે એક વિચાર આપ્યો છે.
આ સાથે એમણે ભાજપ પ્રવક્તા જયેશભાઈ વ્યાસ, કોંગ્રેસ પ્રવક્તા મનીષભાઈ દોશી, ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી દીપકભાઈ પટેલ, દિગ્ગજ પત્રકાર સુધીરભાઈ રાવલ અને મહારાષ્ટ્ર વિધાનસભાના પૂર્વ સ્પીકર અરુણભાઈ ગુજરાથીનો આભાર માન્યો હતો.