વડોદરાઃ શહેરના-વાડી વિસ્તારમાં આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી અને હાલ વડતાલ ખાતે રહેતા જગતપાવન સ્વામી દ્વારા 8 વર્ષ અગાઉ દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની ફરિયાદ વાડી પોલીસ મથકે નોંધાઇ છે. આ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના એચ.પી. સ્વામી અને કે.પી. સ્વામી સામેલ હોવાનો આક્ષેપ પણ પીડિતાએ કર્યો છે. પોલીસે ફરિયાદના આધારે પોક્સો હેઠળ ગુનો નોંધી સ્વામી જગતપાવન સામે લૂકઆઉટ નોટિસ ઇશ્યૂ કરી છે.
ફરિયાદ મુજબ યુવતી સગીર અવસ્થામાં હતી ત્યારે પરિવાર સાથે મંદિરે દર્શને જતી હતી. તે સમયનાં કોઠારી સ્વામી જગતપાવનદાસે પિતાના ફોન નંબર મેળવી ગિફ્ટ આપવાના બહાને સગીરાને 10 સપ્ટેમ્બર 2016ના રોજ બોલાવી મંદિરની નીચેના રૂમમાં લઈ ગયા હતા અને દુષ્કર્મ ગુજાર્યું હતું, જે અંગે કોઈને કહીશ તો પરિવારને ખતમ કરવાની ધમકી આપી હતી. બાદમાં જો હું કહું તેમ નહિ કરે તો હું આત્મહત્યા કરી કહીશ એવી ધમકી પણ આપી હતી. પીડિતાએ પોતાને સ્વામી દ્વારા સ્વામીના વ્હોટ્સએપ ગ્રુપમાં ન્યૂડ વીડિયો કોલ કરાવવાનો અને ન્યૂડ ફોટો આપી બીભત્સ વાતો કરાવી હોવાનો આક્ષેપ પણ ફરિયાદમાં કર્યો છે.
ભોગ બનેલી પીડિતાએ જણાવ્યું છે કે એ સમયે મારી ઉમર 14 વર્ષની હતી. એ સમયે મારી પાસે કોઈ સોર્સ નહોતો કે હું પોલીસ ફરિયાદ કરી શકું. હાલમાં હિંમત એકઠી કરી ફરિયાદ કરવા આવી છું.