આણંદઃ ઉમરેઠમાં રામતળાવ પાસેથી શનિવારે ત્યજી દીધેલી હાલતમાં નવજાત મૃત હાલતમાં મળી આવ્યું હતું. જેની તપાસ દરમિયાન એક માનસિક દિવ્યાંગ યુવતીએ બાળકને જન્મ આપ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ માતા સુધી પહોંચી જતાં યુવતીના પિતાએ ઉમરેઠ BAPS મંદિરના પૂજારીએ દુષ્કર્મ આચરી પુત્રીને ગર્ભવતી બનાવી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. યુવતીને હાલ સારવાર માટે અમદાવાદ ખસેડાઈ છે. પિતાના આરોપ બાદ પોલીસ દ્વારા પૂજારી અંગે તપાસ હાથ ધરાઈ છે.
બાળકનું શબ મળ્યા બાદ તપાસમાં વળાંક
ઉમરેઠમાં રહેતી યુવતી સવારે ઘરની બહાર શૌચાલય ગઈ ત્યાં બાળક જન્મ્યું હતું, જે બાદ પરિવારજનોએ આ નવજાતને કોથળામાં ભરી ત્યાં નજીકમાં જ મૂકી દીધું હતું અને યુવતીને સારવારઅર્થે નડિયાદ બાદ અમદાવાદની હોસ્પિટલમાં લઈ ગયા હતા.
યુવતીના પિતાની ન્યાયની માગ
બાળકને જન્મ આપનારી યુવતીના પિતાએ પૂજારી પર દુષ્કર્મનો આરોપ મૂકતાં જણાવ્યું છે કે, જ્યારથી આ સ્વામિનારાયણ મંદિરની ઈંટ મુકાઈ ત્યારથી મારાં બા આ મંદિરમાં કામ કરતાં હતાં. મારાં બાના અવસાન બાદ મારી પત્ની અને પુત્રી મંદિરમાં કામ કરતાં હતાં. મારી પુત્રી માનસિક અસ્વસ્થ છે અને બપોરે ટિફિન લેવા મંદિરે જતી હતી. દરમિયાન મંદિરના પૂજારીએ દુષ્કર્મ કરી મારી પુત્રીને ગર્ભવતી બનાવી હતી. પુત્રીને મારી નાખવાની ધમકી આપી હતી, એટલે મારી પુત્રીએ કોઈને જણાવ્યું નહોતું.
મને ફસાવવાનો પ્રયાસઃ પૂજારી
ઉમરેઠ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે, મને ફસાવવા આ બધું કર્યું છે. આ છોકરી અહીં જમવાનું લેવા આવતી હતી. કોઈક દિવસ ન મળે એટલે આવું કર્યું.
યુવતી કંઈ ન બોલીઃ પીએસઆઇ
ઉમરેઠના પીએસઆઇ પાવરા જણાવે છે કે, યુવતીના પિતાએ મંદિરના પૂજારી પર દુષ્કર્મનો આરોપ મૂક્યો છે. આ આરોપના આધારે અમે બાળકને જન્મ આપનારી યુવતીની પૂછપરછ કરી હતી, પરંતુ યુવતી કાંઈ બોલી નથી.