જૈન સમાજ યુરોપના પ્રેસિડેન્ટ શ્રીમતી ઊષાબહેન મહેતાને ઇસ્ટ મિડલેન્ડ્સ ચેમ્બર દ્વારા અપાતો THE VAL AWRDS 2024નો
‘ટ્રસ્ટી ઓફ ધ યર’ તાજેતરમાં એનાયત કરાયો. લોકોના જીવનમાં બદલાવ લાવવા માટે પ્રયત્નશીલ વ્યક્તિઓમાંથી પસંદગીયુક્ત વ્યક્તિને આ એવોર્ડ્સથી નવાજાય છે.
ઊષાબહેન ૧૧ વર્ષથી જૈન સમાજ યુરોપનું પ્રમુખપદ શોભાવી રહ્યાં છે. મોમ્બાસા-કેન્યામાં જન્મેલ ઊષાબહેનના માતુશ્રી ચંપાબહેન અને પિતાશ્રી શાંતિલાલ મહેતા. ઊષાબહેને મોમ્બાસામાં શાળાકીય શિક્ષણ મેળવી ૧૯૬૯માં યુ.કે. સ્થળાંતર કર્યું. લંડનમાં આવી નર્સિંગનું ક્વોલીફીકેશન મેળવ્યું. રજનીકાન્ત સાથે લગ્ન કરી લેસ્ટર જઇ વસ્યા. યુનિવર્સિટી હોસ્પીટલ લેસ્ટરમાં નર્સિંગ કારકિર્દીનો પ્રારંભ કર્યો. અને જૈન સંઘ લેસ્ટરમાં સક્રિય થયાં. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવાનું શરુ કર્યું જે એમનો પહેલેથી શોખનો વિષય હતો. કાળક્રમે બે સંતાનોના માતા બન્યાં અને હવે તો તેઓ પણ ભણી-ગણી-લગ્ન કરી પોતપોતાના કુટુંબ સાથે સેટલ થઇ ગયા છે.
૪૦ વર્ષની વયે ઊષાબહેને પુન: ભણવાનું શરૂ કર્યું. હેલ્થકેર પ્રેક્ટીસમાં BSC કર્યું અને નર્સ પ્રેક્ટીશનર બન્યાં. પરિણામે કેન્સર સ્પેશીયાલીટીમાં ડે-કેર-વોર્ડ મેનેજર તરીકે ફરજ બજાવી. NHSમાં ૫૦ વર્ષ સેવા આપી ડિસેમ્બર ૨૦૨૩માં જ નિવૃત્ત થયાં (૧૯૭૩-૨૦૨૩).
પોતાની કૌટુંબિક ફરજો અને કારકિર્દી ઘડવા સાથે જ સમાંતરે જૈન સેન્ટરના લેડીઝ ગૃપમાં જોડાયાં અને વિવિધ હોદ્દેથી સેવા સાદર કરી. ત્યારબાદ જૈન સમાજ યુરોપની મુખ્ય કમિટીમાં સેક્રેટરી બન્યાં અને બાદમાં પ્રમુખ. જૈન સમાજ યુરોપના સભ્યોએ એમનામાં વિશ્વાસ મૂકી એમનું નેતૃત્ત્વ સ્વીકાર્યું એ માટે ઉષાબહેન તેમનો ઋણ સ્વીકાર કરતાં ગુજરાત સમાચારને જણાવે છે કે, તાજેતરમાં એમની સેવાઓની કદરરૂપે વાલ એવોર્ડ્સ ઇવનીંગમાં ‘ટ્રસ્ટી ઓફ ધ યર’નો એવોર્ડ મળ્યો એમાં ‘મારાં માતા-પિતાના સંસ્કાર, પતિ અને કુટુંબનો સાથ તેમજ સમાજના સહકારનો સરવાળો છે.’ તેમણે જૈન ધર્મના સિધ્ધાંતોને જીવનમાં સાંગોપાંગ ઉતાર્યા છે. ગયા વર્ષે તેમણે વર્ષીતપની આરાધના પૂર્ણ કરવા સાથે બધી જ જવાબદારીઓ ખૂબ જ સરસ રીતે નિભાવી હતી. જીવનના ત્રણ સ્તંભો ૧) ફેમીલી ૨) જૈન સેન્ટરમાં સેવા અને ૩) NHSમાં૫૦ વરસની ફરજમાં સમતુલા જાળવી શક્યા; કારણ લેસ્ટર દેરાસરના મૂળ નાયક શાંતિનાથ દાદાની કૃપા અને સૌનો સાથ-સહકારને આભારી હોવાનું માને છે. પોતાની અને કુટુંબીજનોની આદ્યાત્મિક ગતિ સતત થતી રહે એ જ એમની પ્રાર્થના છે. મહિલા શક્તિને અભિનંદન.