નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સોમવારે ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાને દેશના 51મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે સોગંદ લેવડાવ્યા હતા. ન્યાયમૂર્તિ ખન્નાનો કાર્યકાળ 6 મહિનાનો રહેશે, તેઓ 13 મે 2025માં નિવૃત્ત થશે. ન્યાયમૂર્તિ ખન્નાએ ઇલેક્ટોરલ બોન્ડ, કલમ 370. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન સહિતના અનેક ચર્ચાસ્પદ કેસમાં ઐતિહાસિક ચુકાદા આપ્યા છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ તરીકે તેમણે 65 ચુકાદા સંભળાવ્યા છે. બીજી તરફ મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે ચૂંટણી અધિકારીઓની નિમણૂક, કલમ 194 હેઠળ અભિવ્યક્તિ, સજાતીય લગ્ન, વૈવાહિક દુષ્કર્મ નાગરિકતા ફેરફાર અધિનિયમ જેવા કેસની સુનાવણી કરશે.
જસ્ટિસ ચંદ્રચૂડે હાથ જોડી માથું નમાવી કહ્યું, ‘મિચ્છામિ દુક્કડં’
શુક્રવારે સીજેઆઇ તરીકે ડી.વાય. ચંદ્રચૂડના કાર્યકાળનો અંતિમ દિવસ હતો. આ નિમિત્તે જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું હતું કે, જો મેં કોર્ટમાં ક્યારેય કોઈને દુઃખ પહોંચાડ્યું હોય તો મને માફ કરો. તેમણે જૈન વાક્ય ‘મિચ્છામિ દુક્કડં’ને ટાંક્યું હતું. જસ્ટિસ ચંદ્રચૂડે બે વર્ષમાં કલમ 370, ઇલેક્શન બોન્ડ સહિત અનેક મહત્ત્વના ચુકાદા આપ્યા હતા.