શ્રીનગરઃ મંગળવારથી શરૂ થયેલું જમ્મુ-કાશ્મીર વિધાનસભાનું સત્ર બુધવારથી શુક્રવાર સુધી ભારે તોફાની રહ્યું, બુધવારથી શરૂ થયેલો હંગામો શુક્રવારે સદનના ત્રીજા દિવસે હિંસક અથડામણમાં પરિણમ્યો. અવામી ઇત્તેહાદ પાર્ટીના ધારાસભ્ય ખુર્શીદ અહેમદ શેખે શુક્રવારે ફરીથી કલમ 370ની પુનઃ સ્થાપના સંબંધિત પોસ્ટર લહેરાવવાનો પ્રયાસ કર્યો, જે પહેલાં વિપક્ષી નેતાઓએ તેમને રોક્યા હતા. અને કલમ 370ની પુનઃ સ્થાપના અંગે ધારાસભ્યો વચ્ચે મારામારી થઈ હતી.
આ હંગામા દરમિયાન કેટલાક ધારાસભ્ય ટેબલ પર ચડી ગયા હતા, જેમના વચ્ચે મારામારી પણ થઈ હતી. બીજી તરફ માર્શલ ખુર્શીદે અહેમદને ખેંચીને લઈ ગયા. આ દરમિયાન ખુર્શીદ જમીન પર પડી ગયા હતા. માર્શલે ભાજપના કેટલાક ધારાસભ્યોને પણ હાંકી કાઢ્યા હતા. જે બાદ ભાજપના તમામ નેતાઓ વોકઆઉટ કરી ગયા હતા. લંગેટના ધારાસભ્ય ખુર્શીદ અહેમદ શેખે ગૃહમાં કલમ 370 પુન: સ્થાપિત કરવાનું બેનર લહેરાવ્યું હતું. આ પછી ભાજપના ધારાસભ્ય અને વિપક્ષી નેતા સુનીલ શર્માએ તેનો વિરોધ કર્યો હતો.
ભાજપના ધારાસભ્યોના વિરોધનો સિલસિલો અહીં અટક્યો નહીં. તેઓ અહેમદ શેખ પાસે પહોંચ્યા અને બેનર છીનવી લઈ ફાડી નાખ્યું. આ દરમિયાન નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યો પણ શેખના સમર્થનમાં ભાજપના ધારાસભ્યો સાથે ઘર્ષણમાં ઊતર્યા હતા.