કોયલી રિફાઇનરીમાં પ્રચંડ ધડાકા સાથે આગ, બેનાં મોત

Wednesday 13th November 2024 05:13 EST
 
 

વડોદરાઃ વાર્ષિક 1.37 કરોડ ટન ક્રૂડ રિફાઇનિંગની ક્ષમતા ધરાવતી, આશરે 60 વર્ષ જૂની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની કોયલીસ્થિત ગુજરાત રિફાઇનરીના બેન્ઝિન સ્ટોરેજમાં સોમવારે બપોરે 3:30 વાગ્યે પ્રચંડ ધડાકા સાથે વિકરાળ આગ ફાટી નીકળી હતી. જે આગ ફેલાતાં રાત્રે 8:30 વાગ્યે અન્ય એક સ્ટોરેજ ટેન્કમાં એટલો પ્રચંડ બ્લાસ્ટ થયો હતો કે કોયલી આસપાસ 6 કિ.મી. સુધીના વિસ્તારના મકાનોમાં કાચ તૂટ્યા હતા.
મેજર કોલ જાહેર કરાયો
પ્રથમ બ્લાસ્ટ બાદ આગને પગલે આસપાસના રહીશોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે રાત્રે 8.30 વાગ્યે ફરી રિફાઇનરીમાં 5 હજાર સ્કેલની વધુ એક ટેન્કમાં બ્લાસ્ટ થતાં ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો હતો. મેજર કોલ જાહેર થતાં જ GSFCની ફાયર સિવાય અમદાવાદ, આણંદ, ગાંધીનગર સહિતની ફાયર વિભાગની 35થી વધુ ગાડી સ્થળ પર પહોંચી દોડી ગઈ હતી.
બેનાં મોત, ત્રણ ઘાયલ
સોમવારે લાગેલી આગ 15 કલાકની જહેમત બાદ ફાયરબ્રિગેડે બુઝાવી દીધી હતી. જો કે આ દુર્ઘટનામાં બે કર્મચારી ધિમંત મકવાણા અને શૈલેશનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 3 કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આગ બુઝાતાં મંગળવારે રિફાઇનરી રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવી હતી. જો કે ડરના કારણે કર્મચારીઓ બહાર આવી ગયા હતા.
પરિવારનાં આક્રંદ સાથે ધરણાં
બીજી તરફ આગની દુર્ઘટનામાં જે બે કર્મચારીનાં મોત નીપજ્યાં હતાં તેમના પરિજનો રિફાઇનરીના ગેટ પર આવી પહોંચ્યા હતા અને આક્રંદ સાથે આક્રોશ ઠાલવ્યો હતો. મૃતક ધિમંત મકવાણાના ભાઈએ જણાવ્યું કે, મારા ભાઈનાં નાનાં બાળકો છે, તે જ્યાં સુધી અભ્યાસ કરે ત્યાં સુધી તેને જરૂરી મદદ કરવામાં આવે. અહીં ધિમંત મકવાણા અને શૈલેશના પરિવારજએ આક્રંદની સાથે ધરણાં કરી રસ્તો રોક્યો હતો.
તપાસનો આદેશ અપાયો
આઇઓસીએલ રિફાઇનરીમાં આગની દુર્ઘટના અંગે તપાસ અને જરૂરી કાર્યવાહી કરવા જિલ્લા તંત્ર દ્વારા સૂચના અપાઈ છે. વડોદરા કલેકટર બીજલ શાહે જણાવ્યું છે કે, ગુજરાત રિફાઇનરીમાં 11 નવેમ્બરે આગની દુર્ઘટનાના સંદર્ભમાં ધારાધોરણો - નોર્મ્સ પ્રમાણે તપાસ અને આગળની કાર્યવાહી કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આઇઓસીએલને જણાવવામાં આવ્યું છે.


comments powered by Disqus