જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ

Wednesday 13th November 2024 06:03 EST
 
 

જૂનાગઢઃ ગુજરાતની ઓળખસમા ગિરનારની પરિક્રમા કરવાનું અનેરું મહત્ત્વ છે. કહેવાય છે કે, ગિરનાર પર્વત પર 33 કરોડ દેવતાઓનો વાસ છે. ભક્તો ગિરનાર પર્વતની પરિક્રમા કરીને 33 કરોડ દેવતાના આશીર્વાદ મળ્યાનો અનુભવ કરે છે. કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ચાલતી આ લીલી પરિક્રમામાં ભક્તોનો ધસારો વધી જતાં એક દિવસ વહેલી જ શરૂ કરી દેવાઈ. ઇટાવા ચેકપોસ્ટ પરથી પોલીસ દ્વારા શ્રીફળ વધેરી પરંપરાગત રીતે પરિક્રમા શરૂ કરવામાં આવી. જય ગિરનારીના નાદ સાથે હજારો ભક્તો, સંતો-મહંતોએ 36 કિ.મી.ની લીલી પરિક્રમાનો પગપાળા પ્રારંભ કર્યો હતો.
પરિક્રમાના રૂટ પર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, જેમાં 9 ડીવાયએસપી, 27 પીઆઇ, 92 પીએસઆઇ, 914 પોલીસ કર્મચારીઓ, 500 હોમગાર્ડ, 885 જીઆરડી જવાનો સહિત અઢી હજારથી પણ વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો, જે 49 અગ્નિશામક, 40 વાયરલેસ સેટ, 195 વોકોટોકી સહિતનાં આધુનિક સાધનો સાથે તહેનાત રહેશે. તો 427 જેટલા સીસીટીવી દ્વારા ચાંપતી નજર રખાશે.
શ્રીકૃષ્ણએ સુભદ્રાજીનાં લગ્ન માટે પ્રથમ પરિક્રમા કરી હતી
પુરાણકથા અને ધાર્મિક માન્યતા મુજબ ભગવાન શ્રીકૃષ્ણએ બહેન સુભદ્રાજીનાં લગ્ન માટે પ્રથમ પરિક્રમા કરી હતી અને કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ગિરનાર જંગલમાં વાસ કર્યો હતો. તેમાં યાદવો, રુક્મિણીજી. સુભદ્રાજી તથા અર્જુન પણ સાથે હતાં. આથી ભગવાનનાં સાંનિધ્ય માટે 33 કોટિ દેવતાઓએ પણ ગિરનાર જંગલમાં વસવાટ કર્યો હતો. ત્યારથી ગિરનારની લીલી પરિક્રમાનું વિશેષ મહાત્મ્ય હોવાની માન્યતા છે.
ગિરનારની પરિક્રમાનું મહત્ત્વ આદિઅનાદિ કાળથી છે. ધીમેધીમે આ પરિક્રમાનું મહાત્મ્ય વધ્યું છે. ગિરનારની 36 કિ.મી. લાંબી પરિક્રમા કરવા લાખો યાત્રિકો ઊમટી પડે છે.
બોરદેવીની જગ્યા ખાતે બોરડીના વૃક્ષ નીચે આવેલા માતાજીના મંદિર પાસે સુભદ્રાજી અને અર્જુનનાં લગ્ન કરાવાયાં હતાં. ભગવાન શ્રીકૃષ્ણએ સતત અગિયારસથી પૂનમ સુધી ગિરનાર જંગલમાં વાસ કરી પરિક્રમા કરી હતી, ત્યારે 33 કોટિ દેવતાઓએ ભગવાનનાં સાંનિધ્ય માટે ગિરનારમાં વસવાટ કર્યો હતો અને ત્યારથી ગિરનારમાં દેવતાઓનો વાસ છે અને કારતક સુદ અગિયારસથી પૂનમ દરમિયાન પરિક્રમા કરવાનું વિશેષ મહત્ત્વ છે. ભગવાન શ્રીકૃષ્ણએ કરેલી પરિક્રમા બાદ પરિક્રમાનો સિલસિલો શરૂ થયો હોવાનું માનવામાં આવે છે, ત્યારે આ વર્ષે ચોમાસું સારું થયું હોવાથી ગિરનાર પરિક્રમામાં 15 લાખથી વધુ ભાવિકો ઊમટી પડવાનો અંદાજ છે.
અલગ-અલગ રાજ્યોમાં વિવિધ પરિક્રમા યોજાય છે, જેમાં અયોધ્યામાં મધુર અને જૂનાગઢમાં કારતક મહિનામાં પરિક્રમા યોજાય છે. કાશીમાં પાંચ કોષની પંચકોશી, વ્રજમાં ગોવર્ધનની સપ્તકોશી, વ્રજમંડળની 84 કોશની, નર્મદાની અમરકંટકથી સમુદ્ર સુધીની છ માસની પરિક્રમા ઉપરાંત જૈનોની પાલિતાણાની અને સંમેતશિખરની પરિક્રમા રાષ્ટ્રવ્યાપી પ્રખ્યાત છે. સાથે વિવિધ ભાષાઓમાં પરિક્રમાનાં નામ જાણીએ તો પરિક્રમાનો સીધોસાદો અર્થ એટલે કે કોઈપણ વસ્તુ કે વ્યક્તિની આસપાસ ફરવું તેમ કહેવામાં આવે છે. હિન્દીમાં અંતરાયણ, અનુઘટી, ધુમરી, ભવરી, ભાવર, પ્રદીચ્ચના કહે છે. ઉર્દૂમાં તવાફ અને લોકબોલીમાં તેને લીલી પરિક્રમા કહે છે.


comments powered by Disqus