ડોનાલ્ડ ટ્રમ્પ બીજીવાર અમેરિકાના પ્રમુખપદે ચૂંટાઇ આવ્યા તેની સાથે ભારત સાથેના અમેરિકાના સંબંધો પર કેવી અસરો પડશે તેની પણ ચર્ચા શરૂ થઇ ચૂકી છે. આમ તો ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવામાં અને તેમને પોતાના મિત્ર ગણાવવામાં જરાપણ કસર બાકી રાખતા નથી પરંતુ ભારતની નીતિ અને ખાસ કરીને આર્થિક નીતિઓની ટીકા કરવામાં પણ પાછી પાની કરતા નથી. અમેરિકા ફર્સ્ટના નારા સાથે ચૂંટાયેલા ટ્રમ્પની આર્થિક નીતિઓ પણ અમેરિકાના હિતોને પહેલી પ્રાથમિકતા આપશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળમાં પણ ભારતને અપાયેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચી લીધો હતો અને ભારતીય માલસામાન પરની જકાતમાં વધારો કર્યો હતો. આ વખતે પણ જો ટ્રમ્પ ભારતીય સામાન પરની જકાતમાં વધારો કરશે તો ભારતીય વેપારને મોટો ફટકો પડી શકે છે. કેટલાક અર્થશાસ્ત્રીઓના માનવા અનુસાર ટ્રમ્પ ટેરિફ નિયમો લાગુ કરશે તો 2028 સુધીમાં ભારતના જીડીપીમાં 0.1 ટકાનો ઘટાડો થઇ શકે છે અને બંને દેશ વચ્ચેના 200 અબજ ડોલરના વેપારમાં ભારતને નુકસાન વેઠવાનો વારો આવશે.
જોકે સંરક્ષણ મામલામાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને તેવી સંભાવના છે. ટ્રમ્પને ચીનના કટ્ટર વિરોધી માનવામાં આવે છે. ચીનને નિયંત્રણમાં રાખવા માટે ટ્રમ્પની પહેલથી જ ક્વાડની રચના કરવામાં આવી. ટ્રમ્પના પ્રમુખ બનવાથી ભારતને શસ્ત્રોની નિકાસ, સંયુક્ત યુદ્ધ અભ્યાસ અને ટેકનોલોજી ટ્રાન્સફરમાં સારો તાલમેલ જોવા મળી શકે છે. ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે તાજેતરમાં જણાવ્યું હતું કે, ટ્રમ્પના ચૂંટાવાથી વિશ્વના ઘણા દેશો મૂંઝવણમાં છે પરંતુ ભારત તેની નીતિઓમાં સ્પષ્ટ છે. વૈશ્વિક સ્તરે મોદી સરકારે અપનાવેલી વિદેશ નીતિ ભારતને મજબૂત બનાવીને ઉભારી રહી છે તેમાં કોઇ શંકા નથી.
ટ્રમ્પના પ્રમુખપદે ચૂંટાવાથી ભારત અને ભારતીયો માટે સૌથી મોટો ચિંતાનો વિષય તેમની ઇમિગ્રેશન નીતિ છે. ટ્રમ્પની વિઝા નીતિ અમેરિકામાં અભ્યાસ માટે જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ, એચવન વિઝા ધારક ભારતીય વ્યવસાયિકો તેમજ અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયો માટે મુશ્કેલીઓ સર્જી શકે છે. ટ્રમ્પે ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને તેમના દેશમાં પાછા મોકલી દેવા માટે 18મી સદીના કાયદાને પુનઃ લાગુ કરવાની તૈયારી શરૂ કરી છે. તે ઉપરાંત અમેરિકન નાગરિક સાથે લગ્ન કરનાર અનડોક્યુમેન્ટેડ માઇગ્રન્ટને પણ ગ્રીન કાર્ડ નહીં આપવાની વાત કરી છે. એચવન બી વિઝા પરનું ટ્રમ્પનું વલણ સખ્ત રહ્યું છે તેથી ઇમિગ્રેશનના મામલે ભારત અને ભારતીયોને ટ્રમ્પની નીતિઓથી નુકસાન થઇ શકે છે.
ચીન ઉપરાંત પાકિસ્તાનને નિયંત્રણમાં રાખવા ભારતને ટ્રમ્પની મદદ મળી રહેશે. આતંકવાદ સામે ટ્રમ્પની આકરી નીતિઓ ભારત માટે લાભકારી પૂરવાર થઇ શકે છે. ટ્રમ્પને કાશ્મીર વિવાદના ઉકેલમાં પણ ઘણો રસ છે અને તેઓ આ પહેલાના કાર્યકાળમાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થીની ઓફર આપી ચૂક્યા છે. જોકે ભારત નથી ઇચ્છતો કે કાશ્મીરના દ્વિપક્ષીય મુદ્દામાં કોઇ ત્રીજો પક્ષ સામેલ થાય. આ ઉપરાંત રશિયના પુતિન સાથેના ટ્રમ્પના સારા સંબંધોને કારણે ભારતે રશિયા પ્રત્યે અપનાવેલી નીતિને પણ સમર્થન મળી રહેશે.
ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળના અમેરિકા સાથેના સંબંધોના આગામી 4 વર્ષમાં ભારતને લાભની સાથે નુકસાન પણ થશે. ભારતીય નેતૃત્વની કૂટનીતિક વિચક્ષણતાની પરીક્ષા થવાની છે તેમાં કોઇ બેમત હોઇ શકે નહીં.