પોરબંદરઃ જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલયુક્ત પાણી પોરબંદરના સમુદ્રમાં વહાવવામાં આવે છે. આ ગતિવિધિનો વિરોધ કરતાં સાગરખેડુ ખારવા સમાજ દ્વારા વેપારી અને સોનીબજારમાં ડોર ટુ ડોર સંપર્ક કરી લોકોને જાગૃત કરવા આહવાન કર્યું હતું. ડોર ટુ ડોર સંપર્ક દરમિયાન ખારવા સમાજે જણાવ્યું હતું કે, દરિયો અમારો દેવ છે, જેને મેલો થતો બચાવવા અમે જીવ દેવા પણ અમે તૈયાર છીએ.
સરકાર દ્વારા ડીપ-સી-એફયુલેન્ટ પાઇપલાઇન યોજના હેઠળ જેતપુરના ડાઇંગ ઉદ્યોગના કેમિક્લયુક્ત પાણી પોરબંદરના સમુદ્રમાં વહાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો ત્યારથી છેલ્લાં ત્રણ-ત્રણ વર્ષથી ‘સેવ પોરબંદર સી’ સંસ્થાથી માંડીને ખારવા સમાજ દ્વારા પણ તેનો વિરોધ થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ રદ કરવાની માગણી સાથે ધારાસભ્ય, સાંસદથી માંડીને મુખ્યમંત્રીને રૂબરૂ મળીને પણ રજૂઆત કરાઈ હતી. જો કે જાણવા મળતી વિગત પ્રમાણે સરકાર આ બાબતે ટસની મસ થતી નથી અને કેમિકલયુક્ત પાણી પોરબંદરમાં દરિયામાં ઠાલવવા માટેના પ્રોજેક્ટને આગળ વધારવા મક્કમ છે ત્યારે તેને અટકાવવા માટે સાગરખેડુ ખારવા સમાજ પણ મક્કમ છે.