ધ કેરલ સ્ટોરીઃ વકફના વિરોધમાં એક હજાર ચર્ચ મેદાને

Wednesday 13th November 2024 06:02 EST
 
 

નવી દિલ્હી: વક્ફ બોર્ડ સંશોધન બિલને લઈને સમગ્ર દેશમાં ઘમાસાણ મચ્યું છે. તેની વચ્ચે કેરળમાં વકફના વિરોધમાં અલગ જ પ્રકારનો કેસ સામે આવ્યો છે. અહીં વકફની મનમાની સામે એક હજાર ચર્ચએ મોરચો ખોલ્યો છે. ચર્ચ આરોપ લગાવી રહ્યા છે કે, વકફ મોટી સંખ્યામાં ગ્રામીણોની જમીન પર કબજો કરવા ઇચ્છી રહ્યું છે. સ્થાનિકોનો આરોપ છે કે વકફ બોર્ડ તેમની જમીન, મિલકત પર ખોટી રીતે કબજો કરવા માગે છે.
ચર્ચનો તાજો વિરોધ કોચીના મુનંબમ અને ચેરાઈ ગામની જમીનને લઈને છે. કેરળના કોચી જિલ્લામાં મુનંબમ અને ચેરાઈ નામનાં બે ગામ છે. ગામ લોકોનો આરોપ છે કે વકફ બોર્ડે તેમની જમીન અને મિલકત પર ગેરકાયદે દાવો કર્યો છે. ગામના લોકોનું કહેવું છે કે, તેઓ લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સ જમા કરી રહ્યા છે. તેઓ પાસે તેની રસીદ પણ છે. હવે જે જમીનો પર વકફ દાવો કરી રહ્યું છે તેનું રજિસ્ટ્રેશન સ્થાનિક લોકોના નામે છે.
આ મુદ્દાને લઈને કેરળનાં ચર્ચોમાં આક્રોશની લાગણી છે. ચર્ચનું કહેવું છે કે, જે જમીનો પર ખ્રિસ્તીઓ દાવો કરી રહ્યા છે ત્યાં ખ્રિસ્તી કુટુંબો પેઢીઓથી વસવાટ કરે છે. સિરો-માલાબાર ચર્ચના ચીફ મેજર આર્કબિશપ રાફેલ થાટિલે જણાવ્યું હતું કે, અમે કેન્દ્ર અને રાજ્ય સરકારોને મુનંબમ મુદ્દે હસ્તક્ષેપ કરવા અને આ મુદ્દાનેે ઉકેલવા અપીલ કરી છે. સિરો-માલાબાર ચર્ચના નેતૃત્વમાં જ રવિવારે એક હજાર ચર્ચોએ પ્રદર્શન કર્યુ હતું.


comments powered by Disqus