ઢાકા: બાંગ્લાદેશમાં તખ્તાપલટ પછી નવી સરકાર તો રચાઇ ગઇ, પરંતુ ત્યાં કટ્ટરપંથીઓ જ શાસન ચલાવી રહ્યા છે. બાંગ્લાદેશથી જે નવી તસવીરો જાહેર થઈ રહી છે તેમાં આ બાબત સ્પષ્ટ થાય છે. બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ અગાઉ હિન્દુઓનાં ઘરો અને દુકાનોને નિશાન બનાવ્યાં હતાં અને હવે ઇસ્કોન સામે હિંસાનો નવો દોર શરૂ કર્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ હિંસક કટ્ટરપંથીઓને ત્યાંની સેના અને પોલીસનો સાથ પણ મળી રહ્યો છે.
બાંગ્લાદેશમાં ચિત્તાગોંગ સ્થિત ઇસ્લામિક સંગઠન હિફાઝત-એ-ઈસ્લામે ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ (ઇસ્કોન) પર પ્રતિબંધ મૂકવાની અને તેના સભ્યોની કતલ કરવાની હાકલ કરી હોવાથી હિન્દુઓ પર ફરી સંકટ ઊભું થયું છે. બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીનની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યા અનુસાર ચટ્ટોગ્રામમાં તાજેતરની રેલી દરમિયાન આ સંગઠને ‘ઇસ્કોનના સભ્યોને પકડો, પછી કતલ કરો’ જેવાં હિંસક સૂત્રોચ્ચાર કર્યાં હતાં.
તસ્લીમા નસરીનની પોસ્ટમાં ઈસ્કોન સભ્યો સામે ઊભા થયેલા જોખમ પર ભાર મૂકીને જણાવાયું છે કે હિફાઝત-એ-ઈસ્લામે આતંકવાદ માટે હાકલ કરી છે. તેઓ ઈસ્કોનના સભ્યોની કતલ કરવા માગે છે. શું ઈસ્કોન એક આતંકવાદી સંગઠન છે કે તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ?