સખાવત... આ શબ્દ આવે ત્યારે બાઈબલના કેટલાંક બોધવચનો યાદ આવી જાય છે. આપો તો તમને અપાશે, ખુશીથી આપનારને પરમેશ્વર પ્રેમ કરે છે.... દરેક ધર્મ પોતાનાથી નબળા પાત્રને વિવિધ પ્રકારે સહાય, મદદ, દયાનું ઇંજન આપે છે. મહાત્મા ગાંધીનો ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત પણ સખાવત પર જ રચાયેલો છે. નાણા પર ચાલતી દુનિયામાં ભારે અસમાનતા છે. ઇલોન મસ્ક જેવા પાસે સેંકડો પેઢીઓ બેઠી બેઠી ખાય ત્યાં સુધી ખૂટે નહીં તેટલાં નાણા છે તો વિશ્વમાં કરોડો પરિવારોને બે ટંક ભોજનના પણ સાંસા છે. દુનિયા વિવિધ વ્યવસ્થાઓ પર ટકેલી છે જેમાં સૌથી પહેલાં પરિવાર અને ત્યારબાદ સમાજ આવે છે. દરેક વ્યક્તિ પરિવારની સુખાકારી માટે દિવસ રાત મહેનત કરે છે. સંપત્તિનું ઉપાર્જન કરે છે અને જ્યારે આ સંપત્તિ જરૂરીયાત કરતાં વધી જાય છે ત્યારે જરૂરીયાતમંદોને મદદ અને સમાજના ઉત્થાન માટે તેનો ઉપયોગ થાય તે અત્યંત આવશ્યક બની જાય છે.
ભારતીય સંસ્કૃતિમાં ગરીબ અને વંચિતને મદદ કરવી એ પાયાનો સિદ્ધાંત રહ્યો છે. અતિથિ દેવોઃ ભવ. ઘરના દરવાજે આવેલો દરેક વ્યક્તિ ભારતીય સંસ્કૃતિમાં અતિથિ ગણાય છે ભલે પછી તે અમીર હોય કે તવંગર. મદદ માટે લાંબા થયેલા હાથને હંમેશા મદદ કરવાની ભાવના ભારતીયોમાં સદીઓથી જોવા મળી છે. આધુનિક યુગમાં ભારતે સાધેલા વિકાસની સાથે દેશમાં સખાવતી પ્રવૃત્તિમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અમીરો તેમની વધી રહેલી સંપત્તિનો શિક્ષણ, આરોગ્ય, ગ્રામીણ વિકાસ જેવા ક્ષેત્રોમાં દાન આપીને ભરપૂર યોગદાન આપી રહ્યાં છે. વર્ષ 2024ની એડલગીવ હુરુન ઇન્ડિયા ફિલાન્થ્રોપી યાદી અનુસાર સખાવતી પ્રવૃત્તિઓમાં રેકોર્ડ રૂપિયા 2153 કરોડ આપીને એચસીએલ ટેકનોલોજીના શિવ નાદર પ્રથમ સ્થાને રહ્યાં છે. શિવ નાદર મુખ્યત્વે શિક્ષણ ક્ષેત્રે સખાવત કરે છે. શિવ નાદર ફાઉન્ડેશન દ્વારા શાળા, કોલેજ અને યુનિવર્સિટીઓનું સંચાલન કરી ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણનું દાન કરાય છે. નાદર બાદ રૂપિયા 1000 કરોડ સાથે વિપ્રોના માલિક અઝિમ પ્રેમજી, રૂપિયા 800 કરોડ સાથે રિલાયન્સના મુકેશ અંબાણી, રૂપિયા 700 કરોડ સાથે કુમાર મંગલમ બિરલા, રૂપિયા 500 કરોડની ચેરિટી સાથે અનિલ અગરવાલ, રૂપિયા 400 કરોડ સાથે નંદન નિલેકાની, રૂપિયા 250 કરોડ સાથે ગૌતમ અદાણી સહિતના અગ્રણી ભારતીય ઉદ્યોગપતિઓ સખાવતની ધૂણી ધખાવી રહ્યાં છે.
વૈશ્વિક સ્તરે પણ દાયકાઓ સુધી વિશ્વના સૌથી અમીર રહેલા બિલ ગેટ્સ અને તેમના બિલ ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા ચાલતી સખાવતી પ્રવૃત્તિઓ કોણ ભૂલી શકે. બ્રિટનમાં પણ સેંકડો ચેરિટી સંસ્થાઓ દ્વારા સખાવતનો યજ્ઞ અવિરતપણે ચાલી રહ્યો છે.
સખાવત દ્વારા સમાજના પીડિત, વંચિત અને શોષિત તબકાને વિકાસની મુખ્ય ધારામાં લાવી શકાય છે. કહે છે ને કે જેનામાં અનુકંપા નથી તે માનવી નથી. અત્યારે બાળપણની એક કવિતા યાદ આવી જાય છે. “જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો. દીન દુઃખિયાના આંસુ લ્હોતા, અંતર કદીના ધરાજો.”