અમદાવાદઃ 7 ડિસેમ્બરે પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતી નિમિત્તે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા - BAPS દ્વારા સુવર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંદાજિત એક લાખ કાર્યકરો એકત્ર થશે. BAPSના વડા મહંત સ્વામીની હાજરીમાં આ કાર્યક્રમ સંપન્ન થશે.
શાહીબાગ મંદિર બહાર બોર્ડ લગાવાયું
અમદાવાદના શાહીબાગસ્થિત BAPS મંદિરના ગેટ નં.2 પાસે કાર્યકર સુવર્ણ મહોત્સવનું બોર્ડ લગાવાયું છે, જેમાં 1972 થી 2022નાં 50 વર્ષ નિમિત્તે કાર્યકર સુવર્ણ મહોત્સવનું આયોજન થવાનું છે તેવું દર્શાવાયું છે.
પુરુષો અને મહિલા માટે ડ્રેસ કોડ
કાર્યકર સુવર્ણ મહોત્સવ માટે કાર્યકરોને ખાસ ડ્રેસ કોડ અપાયો છે. પુરુષ કાર્યકરોએ કાળા કલરનું પેન્ટ પહેરવાનું રહેશે. તેમને સંસ્થા તરફથી જર્સી પણ અપાશે. જ્યારે મહિલાઓને ડ્રેસ પહેરવાની સૂચના આપવામાં આવી છે.
1 ડિસેમ્બરથી કાર્યકરો
સ્ટેડિયમનો કબજો લેશે
દેશ-વિદેશથી આવેલા 1 લાખ કાર્યકરો અને હરિભક્તો કાર્યક્રમમાં ભાગ લેવાના હોવાથી મોટી જગ્યાની જરૂર હતી, જેના કારણે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પસંદગી કરાઈ છે. સંસ્થા દ્વારા સ્ટેડિયમને ભાડે રાખી લેવામાં આવ્યું છે. તૈયારી માટે કાર્યક્રમના 5-6 દિવસ અગાઉ એટલે કે 1 ડિસેમ્બરે સંસ્થાના કાર્યકરો સ્ટેડિયમનો કબજો લઈ લેશે અને ભવ્યાતિભવ્ય કાર્યક્રમની તૈયારીમાં લાગી જશે. કાર્યક્રમની સત્તાવાર રૂપરેખા હવે પછી જાહેર થશે.
સંતોએ સ્ટેડિયમની મુલાકાત લીધી
3 કલાક સુધી ચાલનારા આ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે BAPSના સંતોએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મુલાકાત લીધી હતી અને વ્યવસ્થા સહિતની અન્ય બાબતોની વિગતો મેળવી હતી. તેના આધારે આખું વ્યવસ્થા તંત્ર ગોઠવાશે.
પહેલી વખત ધાર્મિક કાર્યક્રમ માટે સ્ટેડિયમ
પ્રાપ્ત માહિતી મુજબ કોઈ ધાર્મિક કાર્યક્રમ માટે પહેલી વખત BAPSને સ્ટેડિયમ ભાડે આપવાનો નિર્ણય ઉચ્ચકક્ષાથી લેવાયો છે. અગાઉ સ્ટેડિયમ અમૂલને ભાડે અપાયું હતું. સ્ટેડિયમનું ભાડું વગેરે જેવી બાબતો પણ ઉચ્ચકક્ષાએ જ નક્કી થતી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.