દિપોત્સવ એટલે કે દિવાળીના પાવન પર્વે યુ.કે.સ્થતિ તમામ જ્ઞાતિ-સમાજ વિવિધ રીતે ઉજવતા હોય છે પણ ગત તા.૨૭ ઓકટોબર, રવિવારે વેમ્બલી સ્થિત સત્તાવીશ સેન્ટરમાં એકદમ અનોખી રીતે દિવાળી સ્નેહસંમેલન ઉજવાયું. "આણંદ ઓવરસીઝ બ્રધરહુડ, યુ.કે.” (AOB)ના નેજા હેઠળ ઉજવાયેલ આ દિવાળી સંમેલનમાં મૂળ આણંદના ભાઇ-બહેનો અને દિકરીઓ, "શ્રી સત્તાવીશ ગામ પાટીદાર યુરોપ"ની છત્ર હેઠળના ૬૯ ગામોના પ્રેસિડેન્ટ, ડેલીગેટ્ તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ મહેમાનમાં “ગુજરાત સમાચાર-એશિયન વોઇસ"ના તંત્રીશ્રી સી.બી.પટેલ પણ હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત "આણંદ ઓવરસીઝ બ્રધરહુડ" યુ.કે.ના વાઇસ પ્રેસિડેન્ટે જાગૃતિબહેન પટેલે ગણેશ વંદના અને ગાયત્રી મંત્રથી કર્યા બાદ આણંદના ૧૦૦ વર્ષનાં દિકરી પૂજ્ય શાન્તાબા ગોરધનભાઇ પટેલ, શારદા હાઇસ્કૂલ આણંદના ૯૩ વર્ષનાં પૂજ્ય શારદાબા ઇન્દુભાઇ, ગોલ્ડમેડાલીસ્ટ ૮ વર્ષની દિકરી આરા પટેલ તેમજ યુવાપેઢીના રીપ્રેઝન્ટેટીવ રેશમા, શીતલ અને જાસ્મીનાના હસ્તે સ્ટેજની બન્ને બાજુએ સ્થાપિત ગણેશજી, મા જગદંબા અને રાધાકૃષ્ણની મૂર્તિ સમક્ષ દિપ પ્રગટાવવામાં આવ્યા.
છેલ્લા ૫૪ વર્ષથી કાર્યરત "આણંદ ઓવરસીઝ બ્રધરહુડ" યુ.કે.નું સંચાલન કોકિલા પટેલ અને એમની મહિલા હોદ્દેદારોના હસ્તક સોંપવામાં આવ્યું છે. ૨૦૨૩-૨૪ દરમિયાન અનેકવિધ પ્રવૃત્તિઓથી સતત કાર્યરત આ મહિલા કમિટીને ફરી ઇલેક્ટ કરી ૨૦૨૬ સુધીનો કાર્યભાર સોંપ્યો છે. મોટેભાગે સમાજોમાં ઉજવાતા દિવાળી સંમેલનોમાં થોકબંધ પ્રવચનો હોય, નાના બાળકો દ્વારા ડિસ્કો ડાન્સ રજૂ થતા હોય છે. પરંતુ "આણંદ ઓવરસીઝ બ્રધરહુડ"ની કમિટીની બહેનોએ જૂની યાદગાર ફિલ્મોની બબ્બે લાઇનની ઝલક સાથે ડાન્સ કર્યો ત્યારે સત્તાવીશ સેન્ટરનો વિશાળ એરીસ્ટોલ હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો હતો.
"આણંદ ઓવરસીઝ બ્રધરહુડ"ના સેક્રેટરી રશ્મિકાબેન તારકભાઇ પટેલે સૌનું સ્વાગત કરી સંસ્થાની પ્રવૃત્તિ વિશે ટૂંકમાં રજૂઆત કરી, ત્યારબાદ પ્રેસિડેન્ટ કોકિલા પટેલે સૌનું અભિવાદન કરતાં વક્તવ્યમાં જણાવ્યું કે, "વિશ્વ વિખ્યાત અમૂલ ડેરી અને તેની “શ્વેતક્રાંતિ” તેમજ મોટા પાયે થયેલા સહકારી ક્ષેત્રના વિકાસના કારણે અર્વાચીન ભારતના ઈતિહાસમાં આણંદનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલ છે. અમૂલ રૂપી વટવૃક્ષનું બીજ રોપનાર આણંદના સ્વાતંત્ર્ય સેનાની ત્રિભોવનદાસ કિશીભાઇ પટેલની દિર્ઘદ્રષ્ટી અને કુશળતાને કારણે આજે આપણું આણંદ ભારતની દૂધની રાજધાની તરીકે ઓળખાય છે.આપણે દર વર્ષે વુમન્સ ડે ઉજવીએ છીએ અને એ વખતે સભાઓમાં સ્ત્રી સમાન અધિકાર અને સ્ત્રી સશક્તિકરણની જોરશોરથી ભાષણબાજી કરતા હોઇએ છીએ પણ ખરેખર તો નારી ઉત્થાન માટેની વાતો પેપર પર જ રહી જતી હોય છે. પુરુષપ્રધાન સમાજ હાલના સંજોગોમાં પણ મહિલાઓના હાથમાં સત્તાનું સૂકાન સોંપવામાં ખચહાટ અનુભવતો હોય છે પણ આનંદ સહિત ગર્વ સાથે હું કહી શકું કે આપણા સત્તાવીશ ગામ પાટીદાર સમાજમાં કદાચ પહેલીવાર આણંદ ગામે આ નવો ચીલો ચાતર્યો છે કે સંસ્થાનો સમગ્ર વહીવટ મહિલાઓને હસ્તક સોંપ્યો છે. જેની વાહ વાહ આપણી છત્ર સંસ્થા સત્તાવીશ ગામ પાટીદારના ટ્રસ્ટીઓ અને બીજા ગામ પણ કરી રહ્યા છે.
આણંદ ઓવરસીસ બ્રધરહુડ-યુ.કે. એટલે કે AOBનું સૂકાન મેં અને મારી મહિલા હોદ્દેદારોએ ૨૦૨૨-૨૪ દરમિયાન બે વર્ષ સુયોગ્ય રીતે સંભાળયું જેથી આ વર્ષે ફરી અમને રીએલેક્ટ કરી ૨૦૨૬ સુધી સંસ્થાનો કાર્યભાર સોંપ્યો છે. “સંગ સંગ ભેરુ તો સર થાય મેરુ" એમ સંસ્થાના બેકબોન સમી સક્રિય કમિટીના સાથ-સહકાર પ્રેરણા, માર્ગદર્શનથી સંસ્થા સતત ધબકતી રહી છે. એ બદલ મારા સૌ કમિટીના સભ્યો એટલે કે ભાઇઓ-બહેનોનો હું સહદય આભાર વ્યક્ત કરું છું. મારી કમિટીમાં સતત સક્રિય રહેનાર સેક્રેટરી રશ્મિકા, વાઇસ પ્રેસિડેન્ટ જાગૃતિ, ટ્રેઝરર કલ્પના, સોશ્યલ સેક્રેટરી ઉર્વશી, જોઇન્ટ સેક્રેટરી કિન્નરી (કોરીયોગ્રાફર), PRO સોનલ, કમિટી સભ્યોમાં સતત સપોર્ટીવ પુષ્પા, રેણુકા, જ્યોતિ, હેમા, શીતલ, રેશ્મા અને જાસ્મીનનો સહ્દય આભાર. એમાં ખાસ કરીને અમારું પીઠબળ બની અમને સદાય સપોર્ટ કરી અમારો ઉત્સાહ વધારનાર ભાઇઓમાં પૂર્વ પ્રેસિડેન્ટ અનંતભાઇ, પૂર્વ પ્રેસિડેન્ટ રોહિતભાઇ, પૂર્વ પ્રેસિડેન્ટ યોગેશભાઇ તેમજ પ્રવિણભાઇ, ભૂપેન્દ્રભાઇ, તારકભાઇ, મીનકેતુભાઇ, રાજેશભાઇ, ડો. પ્રવિણ, તરવરિયા યુવાનો હેતલ, હિતેન, જયેશ ઉર્ફે પીન્ટુ, રોહિતભાઇ, નયન,અને નીલ, વિપુલે અમને સતત સહકાર આપ્યો એ બદલ ધન્યવાદ. ત્યારબાદ કોકિલા પટેલે એમની તમામ કમિટીના સભ્યોને સ્ટેજ પર બોલાવી પરિચય આપ્યો હતો. ઉપરાંત સંસ્થા દ્વારા દર વર્ષે યોજાતી હોલીડેમાં ૧૧૭થી વધારે સહેલાણીઓ જોડાય છે એનું સંચાલન કરનાર પ્રવિણભાઇ પટેલે આ વર્ષે કયાં હોલીડેનું આયોજન થઇ રહ્યું છે એની માહિતી આપી. સાથે સાથે સ્થાનિક હોલીડે વેલ્સના સ્કંધવેલ, મહાકાળીના દર્શને અને આઇલ ઓફ વ્હાઇટનું આયોજન કરનાર સોશ્યલ સેક્રેટરી ઉર્વશીબેન ગજ્જરનો આભાર વ્યક્ત કર્યો હતો.
આણંદનાં દિકરી ૧૦૦ વર્ષનાં શાન્તાબાને શાલ ઓઢાડી પુષ્પગુચ્છથી સન્માન કર્યું એ જ રીતે ૯૩ શારદાબા, સમાજને વર્ષો સુધી સેવા આપનાર આર.યુ. પટેલનાં ધર્મપત્ની કુસુમબહેન, પૂર્વ પ્રેસિડેન્ટ રમણભાઇ પટેલનાં ધર્મપત્ની પુષ્પાબહેનનું પણ શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરાયું. તાજેતરમાં જર્મની ખાતે યોજાયેલ જીયુ જુત્સુ માર્શલ આર્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર ૮ વર્ષની આણંદની દિકરી આરા વેલેન્ટીના ધિરેન પટેલને એવોર્ડ આપી સન્માનિત કરાઇ હતી.
સંસ્થાનાં જોઇન્ટ સેક્રેટરી કિન્નરી પટેલે એમના વકતવ્યમાં "પ્રેસિડેન્ટ કોકિલા પટેલની કાર્યસિધ્ધિ, સૌને સાથે રાખી સંસ્થાને પ્રવૃત્ત રાખવાની કુશળતાની સરાહના કરી, એ વખતે સ્ટેજ પર સૌ કમિટીની બહેનોએ પ્રેસિડેન્ટનો આભાર વ્યક્ત કરી યાદગાર ભેટ આપી હતી.
શ્રી સત્તાવીશ પાટીદારના પ્રેસિડેન્ટ જયેન્દ્રભાઇ પટેલે બ્રેન્ટ બરોના મોરમૂકુટ જેવું ભવ્ય સત્તાવીશ સેન્ટર અનેકવિધ પ્રવૃત્તિથી સતત ધબકતું રહ્યું છે એની માહિતી આપતાં કહ્યું કે હવે દર મહિને સિનિયર સિટીઝન્સ માટે કાર્યક્રમનું સુંદર આયોજન થાય છે. પૂર્વ પ્રેસિડેન્ટ- ટ્રસ્ટી મુકેશભાઇ પટેલે પણ સતાવીશ સેન્ટર અને સમાજની માહિતી આપી આણંદના પ્રેસિડેન્ટ અને એમની કમિટીની મુક્તમને સરાહના કરી. અંતમાં કાર્યક્રમને સફળ બનાવવામાં મદદરૂપ યુવાપેઢીના જયેશ, નીલ, હેતલનો ડ્રીંક્સ અને ક્રિસ્પ્સ, પીનટ ફ્રી આપ્યા એ બદલ સહ્દય આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પ્રસંગી કેટરર્સે સ્વાદિષ્ટ ભોજન પીરસ્યું એ બદલ હસુભાઇ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.