રાજકોટઃ દેશ-વિદેશના લોકોમાં સિંહનું ખાસ મહત્ત્વ છે. સામાન્ય રીતે લોકો સિંહ જોવા માટે જૂનાગઢ, સાસણ અને ધારી જતા હોય છે, પરંતુ હવે રાજકોટમાં પણ સિંહદર્શન કરી શકાશે. મનપા દ્વારા પ્રદ્યુમ્નપાર્ક નજીક રૂ. 20 કરોડથી વધુના ખર્ચે ગુજરાતનાં ત્રીજા લાયન સફારી પાર્કનું 85 એકર કરતાં વધારે જગ્યામાં નિર્માણ કરાઈ રહ્યું છે.
થોડા મહિના અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા આ માટેની મંજૂરી આપી દેવાઈ હતી, જેને લઈ મનપા દ્વારા અહીં કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી દોઢ-બે વર્ષ બાદ મુસાફરો જીપમાં બેસીને અહીં સિંહદર્શન કરી શકશે. પ્રદ્યુમ્નપાર્ક ઝૂની નજીક લાલપરી તળાવ પાસે મનપાએ લાયન સફારી પાર્ક બનાવવા માગેલી મંજૂરી જે મળી જતાં કામગીરી હાથ ધરાઈ છે.