જૂનાગઢઃ રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે હવે જૂનાગઢમાં આર્મીનો નકલી કેપ્ટન પોલીસના હાથમાં આવ્યો છે. મૂળ કોડીનારના આ શખ્સે પોતે સંસદ ભવનમાં નેશનલ સિક્યુરિટી એજન્સીમાં નોકરી કરતો હોવાની વાતો કરીને જૂનાગઢ, કેશોદ અને માંગરોળમાં 6 લોકોને રેલવેમાં લોકો પાયલોટની નોકરીની લાલચ આપીને રૂ. 10 લાખ પડાવી લીધાનું સામે આવતાં પોલીસે તેની ધરપકડ કરી ગુનો દાખલ કર્યો છે.
સૌપ્રથમ જૂનાગઢના સ્પોર્ટ્સમેન દિવ્યેશ ભરતભાઈ ભૂતિયાને પ્રવીણ સોલંકીએ આર્મી કેપ્ટનનો યુનિફોર્મ સાથેનો ફોટો, એનએસએ કાર્ડ, આર્મી કેન્ટીન કાર્ડ અને પગાર સ્લીપ બતાવી વિશ્વાસમાં લીધા હતા. બાદમાં પ્રવીણે દિવ્યેશનો સંપર્ક કરી સ્પોર્ટ્સ ક્વોટામાં રેલવેમાં લોકો પાયલોટની નોકરીની લાલચ આપી રૂ. 6 લાખની માંગણી કરી હતી. જેથી દિવ્યેશે રૂ. 3.03 લાખ આપ્યા હતા. જો કે ચાર-પાંચ મહિના થવા છતાં નોકરીનો કોઈ ઓર્ડર ના આવતાં પોતાની સાથે છેતરપિંડીની ખબર પડી હતી.