વડોદરાઃ શહેરમાં સાડા ત્રણ દાયકાથી જાગૃત નાગરિક નામથી સ્વૈચ્છિક ગ્રાહક સંસ્થા ચલાવતા જાણીતા કન્ઝયુમર એક્ટિવિસ્ટ પુરુષોત્તમ મુરજાણીએ શુક્રવારે રાત્રે રહસ્યમય સંજોગોમાં વાઘોડિયા રોડ ખાતેના તેમનના નિવાસસ્થાને લાઇસન્સવાળી રિવોલ્વરથી આત્મહત્યા કરી હતી. સ્યૂસાઈડ કરતા પહેલાં પી.વી. મુરજાણીએ તેમના મોબાઈલ ફોનમાં ટાઇમર સેટ કર્યું હોવાથી રાતે 9-51 વાગ્યે તેમના મોબાઇલ ફોનમાં સ્ટોર થયેલા હજારો મોબાઇલ નંબર પર એકસાથે સ્યૂસાઇડ નોટ પોસ્ટ થઈ હતી. જેમાં લખ્યું હતું કે, કરોડો રૂપિયાની મિલકતો હડપ કરવા માટે માનીતી પુત્રી અને તેની માતાએ રેપની એફઆઇઆર દાખલ કરવાની ધમકી આપી હોવાથી સમાજમાં પોતાની અને પરિવારની બદનામીના ડરથી અંતિમ પગલું ભરું છું. પુરુષોત્તમભાઈએ જેમની સામે આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા આપવાનો આક્ષેપ મૂક્યો છે તે માતા-પુત્રી સામે તપાસ હાથ ધરવામાં આવી છે.
કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પુરુષોત્તમ મુરજાણીએ ગુરુવારે જ સ્યૂસાઇડ કરવાનો નિર્ણય કર્યો હતો. તેઓ લાઇસન્સવાળી રિવોલ્વર રાખતા હતા. થોડાક સમય પૂર્વે યોજાયેલી લોકસભાની ચૂંટણી વખતે તેમણે રિવોલ્વર પોલીસ સ્ટેશનમાં જમા કરાવી હતી. આપઘાત કરવાના ઇરાદા સાથે શુક્રવારે બપોરે મુરજાણી પોલીસ સ્ટેશન ગયા હતા અને પોલીસ પાસેથી હથિયાર છોડાવ્યું હતું અને રાત્રે રહસ્યમય સંજોગોમાં પોતાના ઘરે બેડરૂમમાં ગોળી મારીને આત્મહત્યા કરી હતી. પાણીગેટ પોલીસે હથિયાર કબજે કર્યું છે.