વાવઃ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી વાવ બેઠક પરની પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર માવજી પટેલની એન્ટ્રીને કારણે જંગ માત્ર ભાજપ-કોંગ્રેસ વચ્ચે ન રહેતાં ત્રિપાંખિયો થયો છે. કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના સ્વરૂપજી ઠાકોરના રક્તચાપ હાલ ભાજપના અસંતુષ્ટ ચૌધરી નેતા માવજી પટેલ પોતાનું બેટ ઘુમાવીને વધારી રહ્યા છે. સંપૂર્ણપણે જ્ઞાતિવાદને આધારે આ ચૂંટણી લડાઈ રહી છે, ત્યારે માવજી પટેલને કારણે ચૌધરી સમાજના મતો વહેંચાઈ જશે તે નક્કી મનાય છે. આ તરફ આ બેઠક પર સૌથી વધુ મત ધરાવતા ઠાકોર સમાજના મતદારો જો એકધાર્યું અને એકતરફી વોટિંગ કરે તો તેઓ અહીંનાં ચૂંટણી પરિણામોમાં નિર્ણાયક સાબિત થઈ શકે.
ચૌધરી સમાજના મત મેળવવા ‘બટેંગે તો કટેંગે’નું સૂત્ર
વાવ પેટાચૂંટણીમાં ભાજપના નારાજ ચૌધરી સમાજના આગેવાન માવજી પટેલે અપક્ષ ઉમેદવારી કરતાં ત્રિપાંખિયો જંગ સર્જાયો છે. આ દરમિયાન ચૌધરી સમાજના મત વહેંચાઈ જાય અને ભાજપને નુકસાન થાય તેવી ભીતિ છે. આ સંજોગોમાં હવે ‘બટેંગે તો કટેંગે’ સૂત્ર વહેતું કરાયું છે. ભાજપ સાથે સંકળાયેલા ચૌધરીસમાજના આગેવાનોએ આ સૂત્ર આંજણા ચૌધરીસમાજની સભામાં ગજવવામાં આવી રહ્યું છે. વાવ વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ ટોભા ગામના સરપંચ ઇશ્વર પટેલે એક સભામાં કહ્યું કે, ચૌધરી સમાજના યુવાનોને વિનંતી છે કે, ‘એક બનો નેક બનો. બટોગે તો કટોગે.’