અમદાવાદઃ વિયેતનામ ફરવા ગયેલાં વડોદરાનાં વૃદ્ધ દંપતી 5 નવેબરે અમદાવાદ એરપોર્ટ પરથી કાર ભાડે કરીને પોતાના ઘરે પરત ફરતાં હતાં ત્યારે અદાણી સર્કલ પાસે પોલીસનો ભેટો થઈ ગયો હતો. પોલીસે ચેકિગના બહાને તેમની પાસે 3 વિદેશી દારૂની બોટલ, 400 યુએસ ડોલર અને રૂ. 12 હજાર પડાવી લીધા હતા. ખાનગીમાં કરેલા તોડકાંડની જાણ મીડિયામાં વાઇરલ થતાં રામોલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંહ અને કમલેશ મેરવાડા અને અન્ય એક વ્યક્તિની સંડોવણી ખૂલી હતી, જેમાં હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંહને સસ્પેન્ડ કરી દેવાયા હતા.
મૂળ વડોદરાના વતની અને દીપક શાહ નિવૃત્ત તરીકે જીવન વિતાવે છે. તેઓ તેમનાં પત્ની નિશાબહેન અને મિત્રો સાથે વિયેતનામ ફરવા ગયા હતા. જ્યાંથી પરત ફરી તેઓ ટેક્સી દ્વારા રિંગરોડ થઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે 4 શખ્સોએ તેમની ગાડી ચેકિંગના બહાને રોકાવી હતી. દારૂ સાથે હોવાથી દીપકભાઈએ પોતાની દારૂ પીવાની પરમિટ બતાવી હતી, છતાં રામોલ પોલીસના કર્મીઓએ વૃદ્ધ દંપતીને પાસપોર્ટ જમા લઈ લેવાની અને કાયદાનો ડર બતાવીને રૂ. 12 હજાર રોકડા અને 400 અમેરિકન ડોલર તથા દારૂની 3 બોટલ પડાવી લીધાં હતાં.