પાવાગઢઃ મહાકાળી માતાજીના મંદિરના ગર્ભગૃહથી 6 સોનાના હાર અને 2 મુગટ સહિત ઘરેણાંની ચોરી કરનારો ચોર સુરતના ઝંખવાવથી ઝડપાયો છે. પોલીસે તેની પાસેથી રૂ. 78 લાખનાં ઘરેણાં કબજે કર્યાં છે. ઓનલાઇન સટ્ટામાં દેવું થઈ જતાં ચોરી કરી હોવાનું પૂછપરછમાં સામે આવ્યું છે.
પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિર ખાતે 28 ઓક્ટોબરની સવારે મંદિરના ગર્ભગૃહથી ચોરીની ઘટના બની હતી. જો કે જે-તે સમયે મંદિર ટ્રસ્ટે ચોરી ન થઈ હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ મામલે તપાસ કરતાં પાછળથી 6 સોનાના હાર અને સોનાનો ઢોળ ચઢાવેલા 2 મુગટની ચોરી થઈ હોવાની ફરિયાદ પાવાગઢ પોલીસ મથકે નોંધાવાઈ હતી. આ મામલે પંચમહાલ પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરતાં 27 ઓક્ટોબરે બાઇકચાલક પાવાગઢ ખાતે આવ્યો હતો અને પાવાગઢ તથા મંદિર પરિસરમાં તેની શંકાસ્પદ હિલચાલ જણાઈ હતી. જેના આધારે પોલીસે સુરતના જંખવાવ ગામેથી વિદુરભાઈ વસાવાને ઝડપી પાડ્યો હતો. તેમણે કબૂલાત કરી હતી કે સાળાનું બાઇક લઈને મંદિર આવ્યો અને રાત્રી દરમિયાન મંદિરમાં ચોરી કરી હતી. તેને ઓનલાઇન સટ્ટામાં દેવું થતાં ચોરીને અંજામ આપ્યો હતો.