રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં પૂજ્ય જલારામબાપાની 225મી જન્મજયંતીની ભાવભક્તિપૂર્વક ઉજવણી કરાઈ હતી. વીરપુરમાં બાપાના દર્શનાર્થે દેશ-વિદેશથી ભાવિકો ઊમટ્યા હતા. 225મી જન્મજયંતી નિમિત્તે બાપાના પરિવારજનો દ્વારા બાપાની સમાધિએ પૂજા અર્ચના બાદ નિજમંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જન્મજયંતી નિમિત્તે આરતીનો લાભ લેવા ભાવિકોનું ઘોડાપૂર મંદિર ખાતે ઊમટી પડ્યું હતું.
પૂજ્ય બાપાની 225મી જન્મજયંતી હોઈ સેવાભાવી યુવાનો દ્વારા 225 કિલોની બુંદી અને ગાંઠિયાનાં પેકેટ બનાવી ભવિકોને પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવ્યાં હતાં. જલારામબાપાની જન્મજયંતી નિમિત્તે જલારામ ગ્રૂપ દ્વારા કેક કાપી મંદિરેથી શોભાયાત્રા કઢાઈ હતી. ભુજ લોહાણા મહાજન દ્વારા 225 કિલોના બુંદીના લાડુનો પ્રસાદ અર્પણ કરાયો હતો. જામનગરના હાપા સ્થિત જલારામ મંદિરના ટ્રસ્ટીઓએ આ વખતે પણ જલારામજયંતીની વિશેષરૂપે ઉજવણી કરવાના ભાગે 7 ફૂટ બાય 7 ફૂટનો 64 કિલોનો વિશાળ વિશ્વવિક્રમી રોટલો તૈયાર કરાયો હતો.