સ્વ. રતન ટાટાને ‘ભારત રત્ન’નું સન્માન આપવાની તક સરકાર ચૂકી

Wednesday 13th November 2024 06:03 EST
 
 

નવસારીઃ સયાજી લાયબ્રેરી ખાતે સ્વ. રતન તાતાનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના ઉપપ્રમુખ કેરસી દેબુએ કહ્યું કે, વિશ્વકક્ષાનું વ્યક્તિત્વ અને દેશમાં અનેક ક્ષેત્રોમાં પદાર્પણ કરનારા રતન ટાટાને જીવતાજીવ ભારતરત્ન આપવામાં આવ્યો હોત તો દેશ ખુશ થયો હોત, આટલા મોટા વ્યક્તિત્વને ભારતરત્ન આપવામાં કંજૂસાઈ કરવાની કયાં જરૂર હતી તેમ જણાવી રંજ વ્યક્ત કર્યો હતો.
નવસારીમાં અનેક ક્ષેત્રોમાં પદાર્પણ કરનારા અને તમામ પારસી સંસ્થાઓના ચેરમેન-કર્તાહર્તા એવા સ્વ. રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ નવસારીની સયાજી લાઇબ્રેરીમાં યોજાયો હતો, જેમાં ઉદ્યોગજગતના ભીષ્મ પિતામહ રતન ટાટાની જીવનકવનની ઝાંખી કરાવતા દેશનાં તમામ ક્ષેત્રોમાં રતન ટાટાના પદાર્પણ અંગેની માહિતી અપાઈ હતી. જેમાં પારસી સમાજના અગ્રણી અને રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના ઉપપ્રમુખ કેરસીભાઈ દેબુએ જણાવ્યું હતું કે, રતન ટાટાને પદ્મભૂષણ જેવા એવોર્ડથી સન્માનિત કરાયા હતા, પરંતુ ભૂતકાળની તેમજ હાલની કેન્દ્ર સરકાર દ્વારા વિશ્વકક્ષાનું વ્યક્તિત્વ ધરાવતા રતન ટાટાને ભારતરત્ન તરીકે જીવતા જીવત સન્માન આપવાનું હતું, જે તક સરકાર ચૂકી ગઈ છે. ઘણાં વર્ષોથી રતન ટાટાને ભારત રત્ન તરીકે એવોર્ડ આપવામાં આવે તેવી માગણી ઊઠી હતી, પરંતુ સરકારે તેમને ભારત રત્ન તરીકે સન્માન આપવામાં કંજૂસાઈ કરી છે.
રતન ટાટાને ભારતરત્ન એવોર્ડ મળે તેવી લોકોની ઇચ્છા હતી અને લોકો સામેથી કહે છે કે, ભારત રત્ન નહીં રતન ટાટા અમારા હૃદયના રત્ન છે. રતન ટાટાએ પારસી સમાજ નવસારી સહિત સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ કાર્યો કર્યાં છે. જમશેદજી ટાટા અને ત્યાર બાદ રતન ટાટા ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડી દેશની યશકલગીમાં ઉમેરો કર્યો છે, તેમને ભારતરત્ન આપવામાં કજૂસાઈ કરવાની જરૂર ન હતી એમ રંજ વ્યક્ત કર્યો હતો.


comments powered by Disqus