ગાંધીનગરઃ સુરત સિવાય ગુજરાતમાં 25 લોકસભા મતક્ષેત્રમાં મંગળવારે કુલ 60.13 ટકા મતદાન થયું છે, જે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી કરતાં 3.98 ટકા ઓછું છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા- ચૂંટણીપંચે બુધવારે જાહેર કરેલા આખરી અહેવાલ મુજબ વર્ષ 2024ની ચૂંટણી માટે કુલ નોંધાયેલા 4 કરોડ 79 લાખ 82 હજાર 446માંથી વોટિંગના દિવસે 2 કરોડ 88 લાખ 54 હજાર 130 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જેમાં પોસ્ટલ બેલેટ અને હોમ વોટિંગ અંતર્ગત થયેલા ત્રણેક લાખ વોટનો ગુરુવારે ઉમેરો થતાં આ ચૂંટણીમાં કુલ 2.91 કરોડ કરતાં વધારે મત પડ્યાનું ચિત્ર સ્પષ્ટ થયું છે.
ચૂંટણીપંચે મંગળવારે ચૂંટણી દરમિયાન સવારે સાત વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીમાં 55.22 ટકા મતદાન થયાનું જાહેર કર્યું હતું. બુધવારે ફાઇનલ રિપોર્ટમાં કુલ મતદાન 60.13 ટકા થયાનું કહેવાયું છે. આથી છેલ્લા એક કલાકમાં EVMમાં 4.91 ટકા જ મતદાન નોંધાયું છે. સામાન્યતઃ છેલ્લા એક કલાકમાં મતદાન વધતું હોય છે, પરંતુ 25 વર્ષમાં પ્રથમ વખત મે મહિનાના આકરા તાપ વચ્ચે ચૂંટણી હોવાથી મતદાન મથકોમાં લાંબી કતારોના પ્રવાહની ગતિ મંદ રહી હતી.
2019ની ચૂંટણીમાં 26 બેઠકો માટે 64.11 ટકા મતદાન થયું હતું. હાલની ચૂંટણીમાં 3.98 ટકાનો ઘટાડો થવા છતાં આ વખતે 2.22 લાખ મત વધુ પડ્યા છે. પાંચ વર્ષમાં લોકસભાની બે ચૂંટણીઓની વચ્ચે 28,56,766 મતદારો વધ્યા હતા.
18 લોકસભાની રચના માટે ત્રીજા તબક્કાના મતદાનમાં ગુજરાતમાં કુલ નોંધાયેલા 2.46 કરોડ પુરુષ મતદારો પૈકી 63.51 ટકાએ, જ્યારે 2.33 કરોડ મહિલાઓ પૈકી માત્ર 56.55 ટકા લોકો દ્વારા જ મતદાન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં ખેડા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી અને નવસારી એમ 5 મતક્ષેત્રમાં પુરુષ મતદારોના સાપેક્ષમાં મહિલા મતદારોના મતદાનનું પ્રમાણ પ્રત્યેક બેઠકમાં એક-એક લાખ કરતાં પણ ઓછું નોંધાયું છે. જો કે આ 5 મતક્ષેત્રથી વિપરીત બારડોલી, દાહોદ અને વલસાડ જેવા આદિવાસી અનામત મતક્ષેત્રોમાં પુરુષ-મહિલા વચ્ચે અંશતઃ સપ્રમાણ વોટ પડ્યા છે.
લોકસભા વોટિંગ (%)
કચ્છ 56.14
બનાસકાંઠા 69.62
પાટણ 58.56
મહેસાણા 59.66
સાબરકાંઠા 63.56
ગાંધીનગર 59.80
અમદાવાદ પૂર્વ 54.72
અમદાવાદ પશ્ચિમ 55.45
સુરેન્દ્રનગર 55.09
રાજકોટ 59.69
પોરબંદર 51.83
જામનગર 57.67
જૂનાગઢ 58.91
અમરેલી 50.29
ભાવનગર 53.92
આણંદ 65.04
ખેડા 58.12
પંચમહાલ 58.85
દાહોદ 59.31
વડોદરા 61.59
છોટા ઉદેપુર 69.15
ભરૂચ 64.81
બારડોલી 64.81
નવસારી 59.66
વલસાડ 72.71
કુલ 60.13