લિઝ ટ્રસના નેતૃત્વમાં આર્થિક હારાકિરી બાદ બ્રિટિશ અર્થતંત્રને બેઠું થતાં લગભગ દોઢ વર્ષનો સમય લાગી ગયો છે. વડાપ્રધાન રિશી સુનાક દ્વારા હંમેશા હૈયાધારણ અપાતી હતી કે થોડો સમય રાહ જૂઓ અને અમારી નીતિઓ સારા પરિણામ આપશે. ભલે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં સુનાકની પાર્ટીનો કારમો પરાજય થયો હોય પરંતુ તેમની નીતિઓએ આર્થિક મોરચે જવલંત સફળતા હાંસલ કરી છે. 2024ના પ્રથમ ત્રિમાસિકમાં જીડીપી વૃદ્ધિ દર 0.6 ટકા રહ્યો અને બ્રિટન મંદીમાંથી બહાર આવી ગયાની સત્તાવાર ઘોષણા કરવામાં આવી. અમેરિકા સહિતના જી-7 દેશોમાં જીડીપી વૃદ્ધિ દરના મામલામાં બ્રિટન ટોચના સ્થાને રહ્યો. જો બ્રિટનનું અર્થતંત્ર તેની ગતિ આ દરે જાળવી રાખે તો વર્ષના અંતે 2.5 ટકાનો વૃદ્ધિદર હાંસલ કરી શકે છે. કોરોના મહામારી પહેલાંના વર્ષોમાં 2014 અને 2017ને બાદ કરતાં એકપણ વર્ષમાં આટલો વૃદ્ધિદર નોંધાયો નહોતો. 2008ની આર્થિક મંદી પહેલાના એક દાયકામાં જીડીપી વૃદ્ધિદર સરેરાશ 2.8 ટકા રહ્યો હતો. જોકે સુનાક સરકારે આર્થિક મોરચા પર હજુ વધુ કામ કરવાની જરૂર પડશે. કોરોના મહામારી બાદ બ્રિટિશ અર્થતંત્રનું કદ માંડ 1.7 ટકા વધ્યું છે જેની સામે ફ્રાન્સના અર્થતંત્રનું કદ 2.2 ટકા, ઇટાલીનું 4.6 ટકા, કેનેડાનું 5.1 ટકા અને અમેરિકાના અર્થતંત્રનું કદ આજ સમયગાળામાં 8.7 ટકા વધી ગયું છે. આમ તો ફુગાવાના દરમાં સતત ઘટાડાના કારણે અર્થતંત્રને વેગ આપવામાં ઘણી મદદ કરી છે તેમ છતાં બેન્ક ઓફ ઇંગ્લેન્ડ હાલ વ્યાજદરમાં ઘટાડો કરવામાં સાવચેતી રાખી રહી છે. ઓગસ્ટ મહિના પહેલાં વ્યાજદરમાં ઘટાડો કરાય તેવી કોઇ સંભાવના નથી. સંસદની ચૂંટણી યોજાય તે પહેલાં વડાપ્રધાન સુનાકે આમ આદમીને પણ આર્થિક વૃદ્ધિના ફળ ચખાડવા પડશે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા વ્યાજદર યથાવત રખાતાં હાલ તો મોર્ગેજમાં મોટો વધારો થઇ રહ્યો છે. લાખો મકાન માલિકો મોર્ગેજ રિન્યુઅલમાં મોટા વધારાનો સામનો કરી રહ્યાં છે. ફુગાવાનો દર ઘટ્યો છે તેમ છતાં હજુ કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસમાં જોઇએ તેટલી રાહત મળી નથી. આગામી ચૂંટણી જીતવા માટે વડાપ્રધાન સુનાકે જનતાને હજુ વધુ રાહત આપવી જ પડશે કારણ કે જનતાને જીડીપીનો વૃદ્ધિદર નહીં પરંતુ તેના ખિસ્સા પર પડતો બોજો વધુ અસર કરે છે.