કોઇપણ દેશનો આર્થિક વિકાસ માળખાકીય સુવિધાઓ પર આધાર રાખે છે અને છેલ્લા 10 વર્ષથી મોદી સરકાર અર્થતંત્રને વેગ આપવા, કનેક્ટિવિટી વધારવા અને નાગરિકોના જીવનોની ગુણવત્તામાં વધારો કરવાના ભરપૂર પ્રયાસ કરી રહી છે. છેલ્લા એક દાયકામાં ટ્રાન્સોપર્ટેશન નેટવર્ક, શહેરી સુવિધાઓ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર મોદી સરકારનું ધ્યાન કેન્દ્રિત રહ્યું છે. હાઇવે, રેલવે, એરપોર્ટ, જળમાર્ગો, શહેરોમાં મેટ્રો સેવાઓ, રોપ-વે સિસ્ટમના વિકાસ દ્વારા સમગ્ર દેશના સર્વાંગી વિકાસના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. વિશ્વની સૌથી લાંબી હાઇવે ટનલ ગણાતી અટલ ટનલ, વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ ગણાતો ચિનાબ બ્રિજ, લદ્દાખને જોડતી ઝોજિલા ટનલ હોય કે મુંબઇમાં તૈયાર થયેલો અટલ સેતૂ, આ બધા મોદી સરકાર દ્વારા કરાયેલા માળખાકીય વિકાસના પ્રતીકો છે. છેલ્લા એક દાયકામાં ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો વિકાસ આંખે ઊડીને વળગી રહ્યો છે. મોદી સરકાર દ્વારા રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે બજેટની ફાળવણીમાં 500 ટકાનો વધારો કરાયો છે. 2023 સુધીમાં દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઇ 60 ટકા એટલે કે 2014ના 91,287 કિમી સામે 1,46,145 કિમી પર પહોંચી ગઇ છે. 2014માં ફોર લેન નેશનલ હાઇવે 18,387 કિમી હતાં જે નવેમ્બર 2023માં 46,179 કિમી પર પહોંચ્યાં છે. દેશમાં સરેરાશ હાઇવે નિર્માણની ઝડપ 28.3 કિમી પ્રતિ દિવસ પર પહોંચી છે. 2014માં ગ્રામીણ સડક નેટવર્ક 3.81 લાખ કિમી હતું જે 2023માં 7.55 લાખ કિમી પર પહોંચી ગયું છે. આજે દેશના 99 ટકા ગામમાંપાકી સડક પહોંચી ગઇ છે. વંદે ભારત ટ્રેનો ભારતીય રેલવેની કાયાપલટનું પ્રતીક બની રહી છે. હાલ દેશમાં 100થી વધુ અત્યાધુનિક વંદે ભારત ટ્રેનો લાખો પ્રવાસીઓનું વહન કરી રહી છે. રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ, મેટ્રો રેલ સિસ્ટમમાં આવેલી ક્રાંતિ ભારતના માળખાકીય વિકાસમાં ચાર ચાંદ લગાવી રહ્યાં છે. દેશમાં હવાઇ યાત્રામાં પણ એક ક્રાંતિ આવી છે. છેલ્લા 1 દાયકામાં 84 નવા એરપોર્ટનું નિર્માણ કરાયું છે. આજે કરોડો પ્રવાસીઓ ઝડપી મુસાફરી માટે હવાઇ સેવાઓનો લાભ લઇ રહ્યાં છે. સડકો, રેલવે અને હવાઇ સેવાઓના આધુનિકીકરણ અને વિકાસના પગલે માલ પરિવહનમાં પણ વેગ આવી રહ્યો છે જેના કારણે ભારતીય અર્થતંત્ર વિશ્વમાં સૌથી વધુ જીડીપી વૃદ્ધિદર હાંસલ કરવામાં સફળ બની રહ્યો છે.