ભુજઃ દેશના બે સૌથી મોટા પોર્ટ ડીપીએ, કંડલા અને મુંદ્રા પોર્ટ કચ્છમાં આવેલાં છે. આખા દેશમાં જેટલી આયાત-નિકાસ દરિયાઈ માર્ગે થાય છે, તેના 40 ટકામાં આ બંને પોર્ટ એટલે કે કચ્છનું વર્ચસ્વ છે. જેના કારણે સરકાર માટે પણ આ બંને પોર્ટ કમાઉ દીકરાસમાન છે. ગત નાણાકીય વર્ષમાં બંને પોર્ટમાં કસ્ટમ ડ્યૂટીની આવક રૂ. 57 હજાર કરોડ થઈ છે. મુંદ્રા પોર્ટ મેદાન મારી ગયું છે, તો કંડલા બંદરે ગતવર્ષની સરખામણીએ ઘટાડો જોવા મળ્યો છે. મુંદ્રા અદાણી પોર્ટના કસ્ટમ વિભાગમાં ગત નાણાકીય વર્ષ 2023-'24માં રૂ. 38 હજાર કરોડ જેટલી આવક થઈ હતી, તો દિનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલામાં કાર્યરત્ કસ્ટમ વિભાગમાં રૂ. 19 હજાર કરોડની આવક થઈ હતી. આમ કુલ રૂ. 57 હજાર કરોડની જંગી આવક માત્ર આ બે પોર્ટ દ્વારા જ સરકારની તિજોરીમાં થઈ છે.