કુવૈતઃ કુવૈતના નવા અમીર શેખ મિશાલ અલ- અહમદ-અલ-સબાહે દેશની સંસદને ભંગ કરી નાખી છે. આમિરે એક ટીવી ચેનલ દ્વારા આ બાબતની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, હું દેશની લોકશાહીનો દુરુપયોગ થવા દઈશ નહીં. આ સાથે તેમણે ચાર વર્ષ સુધી દેશના સરકારી વિભાગોને પોતાના કબજામાં લીધા છે અને ઘણા કાયદા પણ રદ કર્યા છે. જણાવી દઈએ કે અમીર કુવૈતનું સર્વોચ્ચ પદ છે.
ઉલ્લેખનીય છે કે, એપ્રિલમાં નવી સંસદની નિમણૂક બાદ 13 મેએ પહેલી વખત સંસદની બેઠક મળવાની હતી, પરંતુ રાજકારણીઓએ સરકારમાં ભાગ લેવા ઇનકાર કર્યો હતો.
અમીરે કહ્યું કે, કેટલાક નેતાઓ આદેશ અને શરતોનું પાલન નથી કરતા. આ પહેલાં દેશની સંસદ છેલ્લે ફેબ્રુઆરીમાં ભંગ કરવામાં આવી હતી, ત્યારબાદ એપ્રિલમાં ચૂંટણી થઈ હતી.કુવૈતના અમીરે જણાવ્યું કે, ‘કુવૈત આ દિવસોમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આ કારણે અમારે દેશને બચાવવા અને લોકોને સુરક્ષિત રાખવા માટે કેટલાક કડક નિર્ણય લેવા પડ્યા છે.